Relationship, Social

એક સંબંધ સપનાનો

એક સંબંધ સપનાનો એક સંબંધ સપનાનો …. વિચાર જ કેટલો આલ્હાદક છે ને ..ન હકીકત સાથે કોઈ નિસ્બત ન સમાજની…

એક સંબંધ સપનાનો

એક સંબંધ સપનાનો …. વિચાર જ કેટલો આલ્હાદક છે ને ..ન હકીકત સાથે કોઈ નિસ્બત ન સમાજની કોઈ માન મર્યાદા ..ન પોતાને બંધાવાનું, ન કોઈને બાંધવાનું…ન કોઈનાથી અપેક્ષા, ન કોઈની અપેક્ષા સંતોષવાની જવાબદારી ..અને ખબર છે આ સંબંધનો મોટો ફાયદો કોઈ બીજાની સંમતિની જરૂર જ નથી હોતીને …શું હું તારી સાથે કોઈ સંબંધ રાખી શકું ? એવું પૂછવાની કે જાણવાની જરૂરત નથી …

એટલે ન કોઈ રોઝ ડે, ન તો પ્રપોઝ ડે, ન ચોકલેટ ડે, બસ ફક્તને કફત આપણો અતૂટ સંબંધ.

સ્વપ્નનો સંબંધ કોની સાથે હોઈ શકે …કોઈની સાથે પણ હોઈ શકે, કેમ કે એમાં બે વ્યક્તિની જરૂર જ નથી. .

ખબર છે, કાલે જ સપનામાં એ સંબંધ સામે આવ્યો એ હતો મારો અને મારા કૃષ્ણનો સંબંધ …કૃષ્ણ પર કૈક કેટલુંય લખાયું છે,વધુ લખવાવાળી હું કોણ ? પણ મારો અને એનો સંબંધ તો ખાલી અમે બંને જ જાણીયેને!

કોઈ મને પૂછે કે, તું કયા ભગવાનમાં માને, તો હું તો હાથ ઉલાળીને કહી દઉં કે હું તો નાસ્તિક છું પણ કોઈ મને પૂછે કે, તને કયા ભગવાન ગમે તો કહું કે મારો કૃષ્ણ!

ના, હું કોઈ સ્વરૂપ ને ચાહતી નથી કે નથી તારા કોઈ રૂપને પૂજતી. ના તો હું મંદિરિયે જાઉં કે નથી હવેલીના પગથિયાં ઘસતી, ના હું રોજ તારા દર્શન કરવાનો નિયમ પાળું કે નથી રોજ તારું નામ જપતી, પણ તોય તું હર ક્ષણ મારી સાથે ….

હા! એટલે જ તું છો મારા સપના નો સંબંધ, હું કહું ને તું એમ જ કરે છો. હું બોલવું ત્યારે કોઈ આનાકાની વગર મારી પાસે આવે છો, મારી વાત સાંભળે છો, મને હસાવે છો અને હું રડું તો તું મને એમાંથી રસ્તો બતાવે છો, ખુશ હોઉં તો તું મારી સાથે નાચે પણ છો , મારી કોઈ પણ મૂંઝવણમાં મને ઉકેલ પણ આપે છો અને સૌથી અઘરું, મારી માંગણીઓ મને ખબર પણ ન હોય તેમ પૂરી કરે છો. આટલો બધો એકતરફી સંબંધ કોઈ હોઈ શકે! કે જે મારી પાસે કાંઈ ન માંગે પણ મારી ઈચ્છામાં પોતે બંધાઈ શકે .

જેને હું હકથી કહું, કે હું જ તારી રાધાને હું જ તારી મીરા તો એ હક એ સ્વીકારી શકે અને પાછું એનું નામ પણ નો લઉં તોય વગર બોલાવ્યે મારી પાસે આવી શકે…

Happy valentine’s day to my forever love ……

મારો પ્રેમ તારા માટે ….મારા કૃષ્ણ .

તને તો યાદ જ હશે કે તારી ને મારી ઓળખાણ હું સાંભળતા શીખી ત્યારની જ છે, દાદાની વાતોથી ઓળખાણ થઇ અને તું મારો પ્રથમ સખા બન્યો. સાખ્ય… કોઈ પણ મજબૂત સંબંધોનું પહેલું પગથિયું. બસ, આમ જ તું મારો પ્રથમ પ્રેમી પણ બન્યો.

મને યાદ છે, નાની નાની જીદમાં મારું તારી પાસે રડવું પણ મારી આંખનું આંસુ ટપકે તે પહેલાં તારું એ જીદ પૂરું કરવું.

મારી તકલીફ તું ક્યારેય જોઈ નથી શકતો, તારાથી ઉત્તમ પ્રેમી તો કોઈ હોઈ જ ન શકેને! તારી જુદી જુદી મૂર્તિઓનું મારું ભેગું કરવું અને એ મૂર્તિથી કંઈક અલગજ સ્વરૂપે તારું મારી પાસે આવવું.

યાદ છે, મને મારા સાતમા ધોરણમાં હું ખુબ તાવમાં પટકાઈ ત્યારે દિવસ રાત તારું મારી સામે રહી તારી વાંસળી વગાડવું.

પણ એક વાત કહું, તારાથી એક ફરિયાદ છે કે આપણા પ્રેમમાં કાયમ હું જ કેમ તારા કેન્દ્ર સ્થાને છું ?

ક્યારેક તો તું પણ રીસે ચડ , ક્યારેક તું પણ મારી પાસે જીદ કર,

આવને, ક્યારેક તું પણ મારી પાસે કોઈની કે પછી મારી ખુદની ફરિયાદ કર.

જો, પછી હું તારી માટે કઈ કરી શકુ છું કે નહિ, તું ક્યારેક સામે ચાલી મને યાદ કર.

તને ખબર છે, તારી સૌથી વધુ કઈ વાત મને ગમે છે………

હું જયારે પૂછું તને કે હું તારી રાધા કે મીરા , રુકમણી કે સત્યભામા , સુભદ્રાબેની કે સખી દ્રૌપદી ત્યારે તું મને કહેછે …ના, ના તું બસ મારી એકતા.

અરે ! આ બધું લખું છું ત્યારે મને સમજાય છે, કે મારો શમણાંનો સંબંધ તો નર્યો સ્વાર્થી જ છે ફક્ત હું અને હું ..તું તો ખાલી મારી સગવડતા છો, મારો અરીસો જે મારી હા એ હા કરતો …મારા સિવાય એમાં કોઈ નથી મારા મન ને મનાવવાનો સંબંધ છો ..પણ હા, આ સંબંધ એક એવો અહેસાસ છે, એક એવી અનુભૂતિ છે જે દુનિયાથી પરે છે, કદાચ આંખને છળવાના ઝાંઝવા જળ છે પણ એ અત્યંત શીતળ છે, મનને મનાવવાનું મૃગજળ છે પણ ખુબ મીઠું છે …

હા! આ સંબંધ એક સ્વપ્ન અધૂરું છે, જે બીજા દરેક સંબંધથી મધુરું છે .

લેખક : એકતા દોશી (અમદાવાદ)

loading...