Stories

ભણતર નો ભાર – એક નાટક – કીશન રાવલ.

(પિન્ટુ શાળાએથી છૂટીને ઘરે આવે છે.) મમ્મી – આવી ગયો બેટા ! પિન્ટુ – (થાકીને લોથપોથ થયેલી હાલતમાં) હા મમ્મી…

(પિન્ટુ શાળાએથી છૂટીને ઘરે આવે છે.)

મમ્મી – આવી ગયો બેટા !
પિન્ટુ – (થાકીને લોથપોથ થયેલી હાલતમાં) હા મમ્મી !
પિન્ટુ – મમ્મી, કાલથી મને એક કોથળો લાવી દેજે…
મમ્મી – (આશ્ચર્યથી) કોથળો !! કેમ ?
પિન્ટુ – આ જો ને, બુક્સના ભારથી મારું બેગ પણ ફાટી ગયું છે, હવે આટલી બધી ઢગલો બુક્સ તો કોથળામાંજ સમાય ને ?
મમ્મી – (હસીને) જા, જા, જલ્દી જા, કપડાં બદલીને દૂધ પી લે અને નાસ્તો કરી લે..
પિન્ટુ – કેમ મમ્મી આજે તું બધું જલ્દી જલ્દી કરવાનું કહે છે?
મમ્મી – અરે વાહ ! ભૂલી ગયો ? આજથી તારે સંગીત ક્લાસમાં જવાનું છે.
પિન્ટુ – (મોં બગાડીને) ઉહું, મમ્મી મને સંગીતમાં રસ નથી, મારે નથી જાવું.
મમ્મી – સંગીત તો સાધના કહેવાય બેટા, ચાલ જો, જલ્દીથી તૈયાર થઈ જા !
પિન્ટુ – પણ મમ્મી ….

(મમ્મી પિન્ટુની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.)

મમ્મી – જા બેટા, નહીંતો પહેલા જ દિવસે મોડું થઈ જશે.

(પિન્ટુ પગ પછાડતો રૂમમાં જાય છે. તે પછી પિન્ટુની મમ્મી તેને બળજબરીથી સંગીત શીખવા મોકલે છે જેમાં તેને સહેજ પણ રસ નથી. થોડી વાર પછી)

મમ્મી – અરે વાહ, આવી ગયો બેટા !
પિન્ટુ – (મોં બગાડીને) મને જરા પણ મજા ન આવી.
મમ્મી – (તેને સમજાવતા) અરે, એમ ન બોલાય બેટા, થોડા દિવસોમાં બધુંય આવડી જશે.
પિન્ટુ – પણ મમ્મી મારે સંગીત ક્લાસમાં નહીં, કરાટે ક્લાસમાં જવું છે.
મમ્મી – બસ હવે, એ બધી વાતો પછી, ચાલ હવે હોમવર્ક કરવા બેસ જોઈએ.
પિન્ટુ – (કંટાળીને) મમ્મી, અત્યારે હું થાકી ગયો છું.
મમ્મી – પણ પિન્ટુ, હોમવર્ક તો કરવું જ પડશે ને !! વળી ડેઈલી ડાયરીમાં રિમાર્કસ મળશે. ચાલ હવે લઈ લે તારું હોમવર્ક, જલદી જા.

(મમ્મી જેમતેમ કરીને પિન્ટુ પાસે જબરજસ્તીથી હોમવર્ક કરાવે છે.)

(બીજા દિવસે પિન્ટુ શાળાએથી થાકીને ઘરે આવે છે.)

મમ્મી – આવી ગયો દીકરા, ચાલ જલ્દી ફ્રેશ થઈ જા.
પિન્ટુ – (ગુસ્સે થઈને) ના મમ્મી, મારે સંગીત ક્લાસમાં નથી જવું, હું નહીં જાઊ, મારે રમવા જવું છે.
મમ્મી – તો પછી ક્યાંય નથી જવાનું, બેસી રહે ઘરમાં.
(પિન્ટુ નિરાશ થઈ જાય છે અને પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. થોડી વાર પછી, તેના પપ્પા ઓફીસથી આવીને આરામ કરતાં છાપું વાંચતા હોય છે ત્યારે, તે બહારના ઓરડામાં આવે છે.)

પિન્ટુ – પપ્પા, હું ક્રિકેટ રમવા જાઊં, મારે ક્રિકેટ રમવું છે.
પપ્પા – (ગુસ્સે થઈને) ના, જરાય નહીં, ક્યાંય નથી જવાનું, ચાલો હવે હોમવર્ક કરવા બેસો.
પિન્ટુ – પણ પપ્પા, મારે ક્રિકેટ રમવા જવું છે.
પપ્પા – એક વાર કહ્યું ને કે ક્યાંય નથી જવાનું, રમવા જવું એ શું વળી ? આખો દિવસ બેટ બોલ ઉલાળીને રમ્યા કરવાનું ને સમય બગાડ્યા કરવાનો..

(ત્રીજો દિવસ, મમ્મી અને પિન્ટુ વચ્ચે વાતચીત ચાલી રહી છે.)

મમ્મી – (હાથમાં પરીક્ષાનું પરિણામ છે તે જોઈને) જોયું, કેટલા ઓછા માર્ક્સ આવ્યા છે આ વખતે ? વિકીનું રિપોર્ટકાર્ડ જોયું તે? પૂરા માર્ક્સ જ આવ્યા હશે એને.. !!
પિન્ટુ – પણ મમ્મી મને તેનાથી ખાલી ત્રણ માર્ક્સ જ ઓછા આવ્યા છે.
મમ્મી – ઓછા એટલે ઓછા, કેટલી વખત કહ્યું કે બેટ દડા ઉલાળવાનું બંધ કર અને વાંચતો જા, પણ તું ક્યાં સમજે જ છે. હવે પછીની ટેસ્ટમાં વિકીથી વધારે માર્કસ આવવા જ જોઈએ, સમજ્યો ?
પિન્ટુ – પણ મમ્મી, આખો દિવસ ભણી ભણીને થાકી જઊં છું, હવે રમવા જાઊં ?
મમ્મી – વળી પાછું રમવાનું નામ લીધું ? જા જઈને વાંચવા બેસ ને ગણિતના દાખલા ગણ.
પિન્ટુ – (મોં બગાડીને પગ પછાડે છે) આખો દિવસ ભણભણ કર્યા કરવાનું… (રૂમમાં જતો રહે છે.)
મમ્મી – (પિન્ટુના રૂમમાં જાય છે જ્યાં પિન્ટુ કાગળ પર પેનથી આડાઅવળા લીટા તાણે છે, મમ્મી ગુસ્સે થઈ જાય છે.) આ શું કરે છે તું? તને કહ્યું ને કે વાંચવા બેસ કે મેથ્સની પ્રેક્ટિસ કર !!
પિન્ટુ – (જીદ કરે છે) મમ્મી, મારે રમવા જવું છે, તું સમજતી કેમ નથી ?
મમ્મી – વાહ, તું તારી મમ્મીને સમજાવીશ ? ચાલ હવે વાંચવા બેસ.
(પિન્ટુએ ફરજીયાત ભણવા બેસવું પડે છે.)

(ચોથો દિવસ, પિન્ટુ ખુશ થતો મમ્મી પાસે જઈને કાંઈક બતાવી રહ્યો છે.)

પિન્ટુ – મમ્મી, મમ્મી, આ જો મેં શું બનાવ્યું છે ?
(પિન્ટુએ સરસ મજાની પરી અને તેના હાથમાં જાદૂઈ છડી હોય તેવું સુંદર ચિત્ર દોર્યું છે.)
પિન્ટુ – મમ્મી મારે પેઈન્ટિંગના ક્લાસ કરવા છે.
મમ્મી – આ ચિતરડા તો ઠીક છે પણ એમાં પેઈન્ટિંગ ક્લાસની વાત ક્યાંથી આવી ? તને સંગીત ક્લાસમાં જવાનું કહ્યું તો મોં ચડાવે છે, જો આ બાજુવાળો કેવા સરસ તબલાં વગાડે છે ? તને આવડે છે કાંઈ ? ડોબો…
પિન્ટૂ – પણ મમ્મી, તેનો શોખ અલગ છે. એને આવું દોરતા નહીં આવડતું હોય, તું પૂછજે એને. મારો શોખ અલગ છે. હું ગમે એટલી મહેનત કરું, મને તબલા વગાડતાં નહીં આવડે કારણકે મને તેમાં રસ નથી.
મમ્મી – ઓહો..હો, હવે તું પાછો મને સમજાવવા માંડ્યો !! એકેય ક્લાસમાં નથી જવાનું તારે, પછી તું ભણવામાં ધ્યાન આપતો નથી, હમણાં નેક્સૃટ ટર્મની એક્ઝામ આવી જશે.

(પિન્ટુના પપ્પા આવે છે.)

મમ્મી – લો સાંભળો, તમારા લાડકાને પેઈન્ટિંગ ક્લાસ કરવા છે, ભણવામાં તો પૂરો પડતો નથી.
પપ્પા – (બેસતાં કહે છે) જો પિન્ટુ, એન્જીનીયર બનવા માટે પૂરેપુરું ધ્યાન ભણવામાં જ આપ, આવા બધાં શોખ નહીં રાખવાના.
પિન્ટુ – (ચીડાઈને) પણ પપ્પા, મારે એન્જીનીયર નથી બનવું, ક્રિકેટર બનવું છે.
પપ્પા – એક વાર કહ્યું ને બેટા, મારી ઈચ્છા છે કે તું એન્જીનીયર જ બને.
પિન્ટુ – પણ પપ્પા, ક્રિકેટ ……(પિન્ટુને અધવચ્ચે અટકાવીને)
પપ્પા – જો પિન્ટુ, પહેલાંય તને કહ્યું હતું, રમત સમયનો વ્યય છે. બધાં કાંઈ સચિન નથી બનતા, તારે એન્જીનીયરીંગની લાઈન લેવાની છે એટલે અત્યારથી ભણવામાં વધારે ધ્યાન આપ, ચાલ જઈને ભણવા બેસી જા.

(પિન્ટુ ઘીમા પગલે નિરાશ ચહેરે પોતાના ઓરડામાં જાય છે.
દિવસે ને દિવસે પીન્ટુ ઉદાસ રહેવા લાગે છે. તેને ક્રિકેટ રમવા મળતું નથી પોતાનો શોખ પૂરો કરવા પેન્ટિગ કલાસ જઈ શકાતું નથી.
બસ આખો દિવસ સ્કૂલ હોમવર્ક વાચવાનું લખવાનું…., આ બધાથી તે ખૂબ જ થાકી જાય છે. એવામાં એક દિવસ યથાર્થ કે જે પીન્ટુનો બેસ્ટ ફ્રેન્ડ છે તે તેના ઘરે રમવા આવે છે.)

યથાર્થ – હેય પીન્ટુ હાઉ આર યું? શું કરે છે? ચલ રમીએ…
પીન્ટુ – હેય યથાર્થ આવ.
પીન્ટુ – ચાલ યથાર્થ આપણે કેરમ રમીએ…

(બન્ને કેરમ રમે છે.)

યથાર્થ – (રમતા, રમતા.) કેમ પીન્ટુ તું હમણાં ઉદાસ દેખાય છે ? કોઈ તને ખિજાયું છે ? ?
પીન્ટુ – (નિરાશ થઈને) કોઈ નહિ બસ એમ જ.

(યથાર્થ બ્લેક કુકરીનું નિશાન લે છે. પછી સ્ટ્રાઈકરથી શોટ મારે છે. કુકરી ફટ કરતી હોલમાં પડે છે.)
યથાર્થ – યસસ…..

પીન્ટુ – અરે વાહ. તે તો મસ્ત શોટ માર્યો…
(પછી થોડીવાર સુધી બન્ને કેરમ જ રમે છે.)

યથાર્થ – બસ યાર… ચલ હવે કાંઈક બીજું રમીએ. (ત્યાં યથાર્થ પીન્ટુનું બેટ જુએ છે.) હેય નાવ લેટ’સ પ્લે ક્રિકેટ.

પીન્ટુ – ક્રિકેટ?? ના ના.. ક્રિકેટ નહિ પપ્પાએ ક્રિકેટ રમવાની ના પાડી છે.
યથાર્થ – (નવાઈથી) પણ કેમ?
પીન્ટુ – પપ્પાએ કીધું કે ક્રિકેટ નહિ રમવાનું. એ સમયની બરબાદી છે.
યથાર્થ – પણ ક્રિકેટ રમવાની તો કેવી મજા આવે છે. મને તો મારા પપ્પા કોઈ દિવસ ના નથી પાડતાં. મારે જે રમવું હોય તે રમવાનું.

પીન્ટુ – ખરેખર? તારા પપ્પા તને કદી કંઇ કરવાની ના પાડતા નથી?

યથાર્થ – ના… બસ એકવાતનું ધ્યાન રાખવાનું કે કોઈનું નુકશાન નથાવું જોઈએ અને બહુ તોફાન નહિ કરવાનાં.

પીન્ટુ – (નિરાશ થઈને) તારે તો કેવું સારું. હું તો તોફાન પણ નથી કરતો તો પણ ક્રિકેટ નહિ રમવાનું. પેન્ટિંગ નહિ કરવાનું. આ નહિ ને પેલું નહિ… તું તો લકી છો યાર.

યથાર્થ – હા. મારા મમ્મી પપ્પા બહુ જ સારા છે. મને જે કરવું હોય તે કરવા દે છે.મારે જે ક્લાસ જૉઇન કરવા હોય તે છૂટ. મને પેન્ટિંગમાં રસ નહોતો માટે મે મમ્મીને ના પાડી. તો મમ્મીએ કહ્યું કે વાંધો નહિ બેટા કશું ફરજિયાત નથી જે વસ્તુમાં રસ ન હોય તે નહિ કરવાનું. જેનો જેવો શોખ હોય તેમજ કરવું જોઈએ.

(એટલામાં યથાર્થના મમ્મી પપ્પા તેને લેવા આવે છે. પીન્ટુના મમ્મી – પપ્પા તેને વેલકમ કરે છે…)

પીન્ટુના મમ્મી – આવો આવો ઘણો વખતે આવ્યાં બેસો.

પીન્ટુના પપ્પા – કેમ છો? શું ચાલે છે? મજામાં ને??

યથાર્થના પપ્પા – બસ બઘું બરાબર ચાલે છે. તમે કેમ છો?

પીન્ટુના પપ્પા – બસ મજામાં…

(તે દરમ્યાન પીન્ટુના મમ્મી પાણી લાવે છે. પછી બઘા વાતોએ વળગે છે.)

પીન્ટુના પપ્પા – શું કહે છે યથાર્થનો પ્રોગેસ?

યથાર્થના પપ્પા – જુઓ હું તો માનું છું કે બાળકોને તેમની રીતે આગળ વધવા દેવા જોઈએ. ખોટી બળજબરીથી તેમનો વિકાસ અટકી જાય છે. યથાર્થ પર અમે કોઈ જ બળજબરી કરતાં નથી. તેને વાચવું હોય ત્યારે વાંચેને પછી ફ્રેશ થાવ રમવા જાય. અમે તેને કદી વાંચવા માટે ફોર્સ કરતા નથી. તેના સ્તો સાથે હળેમળે. ગેમ્સ રમે શેરીમાં દોડાદોડી કરે. આ બધાથી તેને ગજબની સ્ફૂર્તી મળે છે.

યથાર્થ ની મમ્મી – એટલું જ નહિ તે પોતાની મરજીથી જ બીજી પ્રવૃતિઓમાં ભાગ લે છે જેમ કે કરાટે, ડાન્સ વગેરે…

પીન્ટુના મમ્મી પપ્પા એકબીજાનું મો તાકવા લાગે છે કારણ કે તેમનું વર્તન પીન્ટુ સાથે સાવ જ વિરોધી હતું. બન્ને ખૂબ ક્ષોભ અનુભવે છે……

યથાર્થની મમ્મી – બાળકોને ઊડવા માટે ખુલ્લું આકાશ આપવું એ મા-બાપની જવાબદારી છે. તેમના પર આપણી ઈચ્છાઓને થોપવી એ તેમની વિકાસ રોકવા બરાબર છે.

યથાર્થના પપ્પા – માટે જ અમે યથાર્થને અમે પૂરી છૂટ આપીએ છીએ.હા પણ તેની ખોટી જીદ નથી ચલાવતા.

યથાર્થની મમ્મી – હમણાં જ એણે કહ્યું કે એને પેન્ટિંગમાં નહિ પણ ડાન્સમાં રસ છે તો એને ડાન્સ ક્લાસ જોઈને કરાવી આપ્યા.

યથાર્થના પપ્પા – ભવિષ્યમાં પણ એણે શું કરવું ક્યા ફિલ્ડમાં આગળ વધવું એ પણ એ જ નક્કિ કરશે.

(પીન્ટુના મમ્મી- પપ્પાને પોતાની ભૂલ સમજાય છે. બન્ને યથાર્થના મમ્મી-પપ્પાની વાતો ગળે ઊતરે છે. તેઓ સમજાય જાય છે કે બન્ને ક્યાં ખોટાં પડ્યાં છે.)

યથાર્થની મમ્મી – આ બધાની સાથે એ પોતાનું સ્ટડિમાં પણ બરાબર ધ્યાન આપે છે એટલે કોઈ ચિંતાની વાત નથી.

યથાર્થના પપ્પા – આજે કદાચ આપણી વાત માનીને એ કોઈ કામ કરવા તૈયાર થશે અને કરશે પણ ખરાં પરંતુ, તે કામમાં એનુ મન નહિ હોય.એ કામ ખાલી કરવાં ખાતર જ કરશે. એને જે કામમાં એની ખુશી ન હોય એ કામનું પણ શું?

યથાર્થ ની મમ્મી – માટે સારું તો એ જ કહેવાયને કે એ કોઈ એવું કામ કરે જેમાં તેને રસ હોય.

(આ બધી વાતો સાંભળીને પીન્ટુંના મમ્મી-પપ્પાનું હદય પરિવર્તન થય છે.)

પીન્ટુના મમ્મી પપ્પા – ઓહ તમે એકદમ સાચા છો. તમે તો મારી આંખો ખોલી નાખી.

યથાર્થના મમ્મી પપ્પા – કેમ કેમ??

પીન્ટુના પપ્પા – જાણ્યે અજાણ્યે અમે પીન્ટુને ઘણો અન્યાય કરી રહ્યાં હતાં. હવે બઘું પીન્ટુની ઈચ્છા મુજબ જ થશે.

પીન્ટુના મમ્મી – (બન્ને બાળકોને બોલાવે છે.) પીન્ટુ, યથાર્થ….

પીન્ટુના પપ્પા – હવેથી તારે જે ક્લાસ જોઈન કરવા હોય તે છૂટ, ઓકે?

પીન્ટુ – (ચહેરો ખીલી ઉઠે છે.) સાચે જ પપ્પા??????

પીન્ટુના મમ્મી – હા બેટા અને તારે કરાટે શીખવું હતુ ને તો કાલથી જ કરાટે કલાસ શરૂ ઓકે?

પીન્ટુ – (પીન્ટુ ખૂબ જ ખુશ થઈ જાય છે.) ખરેખર મમ્મી??

પીન્ટુના પપ્પા – અને હા પીન્ટુ ભવિષ્યમાં પણ તારી કારકિર્દીનો નિર્ણય પણ તારો જ રહેશે. હો કે.

(પીન્ટુને તો જાણે ઊડવાનું ખુલ્લું આકાશ મળી ગયું હોય તેમ ખુશીથી નાચી ઉઠે છે.)
યેયેયેયે….

(પીન્ટુને ખુશ થયેલો જોઈ તેના મમ્મી પપ્પા પણ ખુશ થઈ જાય છે.)

પીન્ટુના પપ્પા – થેંક્સ ટુ યથાર્થના મમ્મી – પપ્પા. તમારે લીધે આજે અમારા વિચારો બગલાઈ ગયા.

યથાર્થના મમ્મી – પપ્પા – ત્યારે તો અમારું તમારા ઘરે આવવું યથાર્થ સાબિત થયું ખરું ને??

બધા હસી પડે છે.

પીન્ટુ – (યથાર્થનો હાથ પકડે છે.) યાર યથાર્થ તું તો ખરેખર લકી છો મારા માટે.

( બન્ને ભેટી પડે છે.)

 

?#_ખાસ_નોંધ જો તમે જાતે લખી શકતા હોવ જોરદાર પોસ્ટ,રમૂજી કથાઓ, વાર્તાઓ, ઇતિહાસ વાર્તાઓ, Love story’s તો મોકલો પેજ ઈનબોક્સમાં ( ફોટો સાથે text પણ એડિટ કરેલા હોવા જોઈએ ) જો ગમશે તો તમારા નામ સાથે પેજ માં #publish કરી દઇશું.

loading...