Stories

ચકલીનો માળો – ખરેખર એક વાર તો જરુર વાંચવા જેવી સ્ટોરી

સરયુબહેન માટે આજે જીવન સાફલ્યનો દિવસ હતો. વર્ષોથી સેવેલું એમનું સ્વપ્નું આજે સિદ્ધ થતું હતું. અંતરમાં સેવેલી આશા આજે ફળીભૂત…

સરયુબહેન માટે આજે જીવન સાફલ્યનો દિવસ હતો. વર્ષોથી સેવેલું એમનું સ્વપ્નું આજે સિદ્ધ થતું હતું. અંતરમાં સેવેલી આશા આજે ફળીભૂત થઈ હતી. કેટલાંયે વર્ષોની શિશિર પછી આજે એમના જીવનમાં વસંતના વાયરા વાયા હતા. એમનું હૃદય આજે અનુપમ સંતોષ અનુભવતું હતું.

કર્તવ્ય પૂરું કર્યાનો આનંદ એમાં છવાઈ ગયો હતો. એમના એકના એક લાડકા દીકરા સૌમિલના લગ્ન થયાં, વાજતેગાજતે. એમની પોતાની પસંદગીની નમણી અને નાજુક, શિક્ષિત અને સંસ્કારી યુવતી સીમા સાથે. એમને આનંદ થાય, જીવનમાં સાર્થકતા લાગે, કર્તવ્ય નિભાવ્યાનો સંતોષ થાય – પરમસુખની એ ક્ષણ લાગે એ સ્વાભાવિક જ હતું ને ?

કેટકેટલાં દુઃખો અને મુશ્કેલીઓ સહન કરી એમણે સૌમિલને આ સ્થિતિએ પહોંચાડ્યો હતો ! સૌમિલના શિક્ષણ માટે, એના બધા લાડકોડ પૂરા કરવા માટે એમનાં કેટલાંયે ઘરેણાંઓ વેચવા નહોતાં પડ્યાં ? કોલેજની ફી ભરવા માટે એમના પતિએ લગ્નની પ્રથમ તિથિએ ભેટ આપેલ સોનાનાં કંગનો વેચતાં એમને કેટલું દુઃખ થયું હતું ! ઘણું બધું એમણે સહન કર્યું હતું, એક જ આશાએ, એક જ ધ્યેય માટે. અને એ ધ્યેય હતું સૌમિલને સર્વ રીતે સુખી કરવાનું. સૌમિલને સારી રીતે ભણાવી, નોકરીએ લગાડી, એનો ઘરસંસાર વસાવવાનું. એ ધ્યેય હવે સિદ્ધ થયું હતું.

સૌમિલ હોંશિયાર વિદ્યાર્થી હતો. એમ.કોમની પરીક્ષા સારી રીતે પાસ કરી, બેંકિગની પરીક્ષા પણ પાસ કરી એટલે એક બેંકમાં એને સારી નોકરી પણ મળી ગઈ. સરયુબહેને તે દિવસે નિરાંતનો શ્વાસ લીધો. સૌમિલ હવે કમાતો હતો અને ધીરે ધીરે એમાં આગળ વધી એમના પતિ જીવતા હતા એ સમયની સ્થિતિ પાછી લાવશે એમાં એમને કોઈ શંકા ન હતી.

પરંતુ પુત્ર માત્ર સારું કમાતો થાય તેથી કઈ માને સંતોષ થાય છે ? એને તો પૈસા કરતાં પણ કંઈક વધુ જોઈતું હોય છે. પુત્રવધૂ વગરનું ઘર એને ખાવા ધાય છે અને પૌત્ર વગરનો એનો ખોળો સૂનો લાગે છે. પૌત્રનું મોં જોવાની એને તાલાવેલી હોય છે. સરયુબહેનની પણ આ જ ઈચ્છા હતી તેથી જ્યારે સૌમિલે લગ્નની હા પાડી અને સીમાને પસંદ કરી ત્યારે સરયુબહેનના આનંદનો પાર ન રહ્યો.

આડોશીપાડોશી અને સગાંસ્નેહીઓમાં એમણે પેંડા વહેંચ્યા અને લગ્નની તૈયારીમાં ડૂબી ગયાં. સીમા માટે કપડાં પસંદ કરવામાં અને ઘરેણાંના ઘાટ કરાવવામાં એમને જરાયે વખત મળતો નહિ. કદી દેવમંદિરે દર્શન ન ચૂકનાર સરયુબહેન લગ્નની નાની મોટી તૈયારીમાં કેટલીયે વખત દર્શનનો સમય ચૂકી જતાં અને મન વાળતાં કે આ મારી ફરજ જ છે ને ? પ્રભુની ઈચ્છાથી તો જીવનમાં આ શુભ પ્રસંગ આવ્યો છે !

સૌમિલ કેટલીયે વાર એમને વધારે પૈસા ન ખર્ચવા માટે વિનવતો. સાદાઈનો આગ્રહ કરતો પણ સરયુબહેન તો એ વાત સાંભળવા તૈયાર જ ન હતાં. એ તો જ્યારે ને ત્યારે એમ જ કહેતાં : ‘મારે ક્યાં બીજો છોકરો પરણાવવો છે ! ભગવાને આ દિવસ દેખાડ્યો છે તો હું તો ખર્ચીશ. સીમા તો મારી ગૃહલક્ષ્મી છે. એને ગમે એવાં કપડાંલત્તાં ઘરેણાં હું આપવાની છું. આખરે આ બધું એનું જ છે ને ?’ સૌમિલ પણ આનો શું જવાબ આપી શકે ? એ તો એની માતાની લાગણી – એનું વાત્સલ્ય સમજતો હતો અને પોતાને માટે આટલું સમર્પણ કરનાર માને નારાજ કરવાનું તેને દિલ થતું ન હતું.

નવવધૂ સીમાએ શ્વસૂરગૃહે પ્રવેશ કર્યો. સીમા સમજુ હતી પરંતુ પરિણીત જીવનનો પ્રારંભનો મસ્ત આહલાદક કાળ – એ દિવસોમાં પતિ પત્ની એ બે સિવાયની દુનિયાનું અસ્તિત્વ ક્યારે પણ હોય છે ખરું ? સૌમિલ સિવાય એની સૃષ્ટિમાં બીજા કોઈનું સ્થાન ન હતું. એ અને સૌમિલ – દુનિયાથી પર કોઈ અનેરી પ્રણયસૃષ્ટિમાં વિહરતાં હતાં.

આકાશમાંથી ચાંદની રેલાતી હોય – રજનીરાણીએ પોતાના સાળુડાના પાલવમાં સૃષ્ટિને મીઠી નિંદરમાં પોઢાડી દીધી હોય તે સમયે સૌમિલ અને સીમા પોતાના અંતરના ભાવ-લાગણી ઠાલવતાં. સૌમિલનું જીવન સીમામય થતું ગયું. હવે જીવનનું કેન્દ્ર સરયુબહેન ન હતાં. જીવનનું મધ્યબિંદુ સીમા બની ગઈ હતી !

લગ્ન પહેલાં સૌમિલ ઓફિસથી આવી સીધો સરયુબહેન પાસે જતો. ઓફિસની જાણવા જેવી વાતો કરતો અને સરયુબહેને તૈયાર રાખેલા ચા-નાસ્તાને આનંદથી ન્યાય આપતો પણ હવે એનાથી ક્યાં એમ બને એમ હતું ? ઓફિસથી ઘેર આવતાં જ બારી પાસે રાહ જોતી ઊભેલી સ્મિત કરતી સીમા એને સત્કારવા ઊભી જ હોય ! એટલે સીધા જ એને સીમા પાસે જવું પડતું અને સરયુબહેન એની રાહ જોતાં બેસી રહેતાં.

સરયુબહેન રોજની ટેવ પ્રમાણે શરૂઆતમાં તો એની રાહ જોતાં બેસતા, પણ સૌમિલને આવતાં વાર થતી અને ચા-નાસ્તો કરતાં પણ સીમા સાથે જ વાત ચાલુ હોય એટલે સરયુબહેને સૌમિલની રાહ જોવાનું માંડી વાળ્યું. એને બદલે મંદિરે કે પાડોશમાં જવા માંડ્યું. રાત્રે પણ એમ જ બનતું. સૌમિલ પહેલાં કદી કદી રામાયણ કે ભાગવતમાંથી માને કંઈક વાંચી સંભળાવતો. ક્યારેક માના ખોળામાં માથું મૂકી ઘડીક સૂઈ જતો કે માની પાસે બેસી પોતાનું કંઈક કામ કરતો. મોડે સુધી બંને સાથે રહેતાં, પણ હવે તો સરયુબહેન રાત્રે પણ એકલાં જ પડતાં. સીમાના આવવાથી સૌમિલનો જીવનક્રમ સ્વાભાવિક રીતે જ બદલાયો અને એના પ્રત્યાઘાતો સરયુબહેનના જીવન પર થવા લાગ્યા.

આટલાં વર્ષો સુધી સરયુબહેનને સૌમિલની નાની નાની જરૂરિયાતોની સંભાળ રાખવાની ટેવ હતી. એને શું જોઈશે-શું ભાવશે-એને અમુક વખતે કઈ ચીજ જોઈશે… એના કપડાંલત્તાં બધાંનો એ જ ખ્યાલ રાખતાં હતાં. સૌમિલનો રૂમ પણ એ જ વ્યવસ્થિત રાખતાં પણ હવે એ બધું કામ સીમાએ જોવા માંડ્યું અને તે પણ સરયુબહેનની રીત પ્રમાણે નહિ પણ પોતાની રીત પ્રમાણે ! સૌમિલ એનો પતિ હતો, હવે એના પર એનો જ અધિકાર હતો ! અચાનક બદલાઈ ગયેલી પરિસ્થિતિને અનુકૂળ થવાનું સરયુબહેન માટે જરાય સહેલું નહોતું.

રવિવારનો દિવસ હતો. સીમાએ સરસ મેકસીકન વાનગી બનાવી અને સરયુબહેને દૂધપાક બનાવ્યો. જમવાની શરૂઆત થઈ.
‘ભાઈ, આજે તો તેં દૂધપાક બહુ ઓછો ખાધોને ? અર્ધી વાટકી પણ પૂરો નથી કર્યો !’ સરયુબહેને કહ્યું.

‘મા, આજે સીમાએ મેકસીકન વાનગીઓ એટલી સરસ બનાવી છે કે દૂધપાક ખાવાની જગ્યા જ નથી રહી !’ સૌમિલે કહ્યું.

સીમાના મુખ પર વિજયનું આછું સ્મિત ઝળક્યું પણ સરયુબહેનના મોં પર ઝાંખપ અને નિરાશાનાં વાદળ જ ઊમટ્યાં. પહેલાં સૌમિલે કદી આમ કહ્યું હોત ? એ તો એની માના હાથની રસોઈનાં કેટલાં વખાણ કરતો હતો ! એના મિત્રો આગળ પણ કેટલી પ્રશંસા કરતો હતો ! અને આજે એને એ દૂધપાક સ્વાદિષ્ટ ન લાગ્યો ! પછી તો એવા કેટલાયે પ્રસંગો બનતા ગયા. સૌમિલનું એક સાંજે માથું દુઃખતું હતું. તાવ પણ થોડો હતો. સરયુબહેન તો સૌમિલનું સહેજ માથું દુઃખે કે જરા શરદી થાય તો પણ અર્ધાં અર્ધાં થઈ જાય. આખી રાત એમને ઊંઘ ન આવે, પણ આજની સ્થિતિ તો જુદી જ હતી.

‘ભાઈ, જરા મસાલો નાંખી ઉકાળો કરી આપું ? માથે બામ ઘસી આપું ?’ એમણે સૌમિલને પૂછ્યું.

‘ના મા, સીમાએ મને ટીકડી આપી છે. થોડી વારમાં માથું ઊતરી જશે.’ સૌમિલે કહ્યું અને પાસું બદલી સૂઈ ગયો.
‘ઉકાળો નહિ તો કૉફી લો. હમણાં જ હું બનાવી લાઉં છું.’ સીમાએ કહ્યું અને સૌમિલે કૉફી પીધી પણ ખરી.
‘મા, તમે સૂઈ જાવ. સીમા છે ને ! જરૂર પડશે તો….’

સરયુબહેનથી એક નિઃશ્વાસ મૂકાઈ ગયો. લથડતે પગલે તેઓ પોતાના ઓરડા તરફ વળ્યાં. હમણાં છેલ્લા થોડાક મહિનામાં એમના હૃદયે અનેક આંચકા ભોગવ્યા હતા. એમને હવે ખાતરી થવા માંડી હતી કે સૌમિલને એમની કોઈ જરૂર રહી નથી.

સૌમિલ, અત્યાર સુધી જે માત્ર પોતાનો જ હતો – જે એમના જીવનને કેન્દ્રસ્થાને હતો – તે સૌમિલને એના જીવનનું મધ્યબિંદુ મળી ગયું હતું…. ‘મા, મા….’ કરીને પોતાને લાડ કરતો, સ્નેહ કરતો સૌમિલ હવે પોતાનો રહ્યો નથી. સૌમિલ અને પોતે – એ નાનકડી દુનિયામાં એક નવી જ વ્યક્તિ આવી છે અને તેણે એ સૃષ્ટિના કેન્દ્રસ્થાનેથી એમને દૂર હડસેલી કાઢ્યાં છે. જે સંસારવાડીને એમણે પોતાનું સમગ્ર નીચોવી ખીલવી હતી, પોતાના પ્રાણ સીંચીને જેનું એમણે જતન કર્યું હતું, ત્યાં હવે એમની જરૂર રહી નથી !

ક્યાંય સુધી એમને રાત્રે ઊંઘ ન આવી, ઊંઘવાનો કેટલોયે પ્રયાસ કર્યો પણ ભૂતકાળના અનેક પ્રસંગોની હારમાળા એમના મનઃચક્ષુ આગળ ઝડપથી પસાર થવા લાગી.

‘સરુ, આખો વખત તું આમ મારો સૌમિલ…મારો સૌમિલ ન કર્યા કર ! વહુ આવશે ને પછી જોજે કેવો બદલાઈ જાય છે તે !’ સરયુબહેનના પતિ સુરેશભાઈ એમને ક્યારેક કહેતા હતા.’
‘ના રે ના…. મારો સૌમિલ ક્યારેય નહિ બદલાય….’ એ જવાબ આપતાં.

કોણ જાણે કેમ, આખી રાત ઊંઘ ન આવી. સવારે ઊઠ્યાં ત્યારે એમનું માથું ભારે હતું. આંખ પણ ઉજાગરાને લીધે લાલ હતી, પણ એ જોવા સૌમિલને ક્યાં ફુરસદ હતી ! સરયુબહેનનું મન ખૂબ જ આળું થઈ ગયું હતું.

એમને ડગલે ને પગલે મનમાં ઓછું આવતું. એમનું પહેલાનું હાસ્ય, આનંદી સ્વભાવ અને ઉત્સાહ ઓરની માફક ઊતરી ગયાં હતાં. જીવનનો થાક લાગવા માંડ્યો. શરીર અશક્ત બનતું ગયું, મનમાં ક્યાંય જંપ નહોતો. એમની તબિયત બગડતી ગઈ. સૌમિલે એક-બે વખત પૂછ્યું પણ ખરું :
‘મા, તમારું શરીર કેમ લેવાતું જાય છે ? ડૉક્ટરને ઘેર બોલાવું ? શું થાય છે તમને ?’

પણ સરયુબહેન એનો શો જવાબ આપે ! અને સાચી હકીકત કહીને સૌમિલના હૃદયને તેઓ આઘાત પહોંચાડી શકે જ કેમ ? દીકરા-વહુના મનને દુઃખ થાય એવું તો એમનાથી થાય જ કેમ ?
‘ના ભાઈ, ખાસ તો કંઈ જ નથી. હવે ઉંમર પણ થવા આવીને ?’ એમ કહ્યું તો ખરું, પણ બોલતાં બોલતાં આંખમાં ધસી આવતાં આંસુ એમણે મહામુશ્કેલીએ રોકવા પડ્યાં. ના કહેવા છતાં પણ સૌમિલ શક્તિની દવા લઈ આવ્યો અને સીમાએ નિયમિત રીતે દવા આપવા માંડી પણ એનાથી કંઈ જ ફાયદો થતો નહતો. સરયુબહેનથી હવે હવેલી સુધી પણ ચાલીને જવાતું નહિ. ઘેર બેઠાં જ માળા ફેરવતાં પણ કશામાં ચિત્ત લાગતું નહોતું.

ઉનાળાના બપોરનો એ સમય હતો. બહાર લૂ વરસી રહી હતી. સરયુબહેન બહારના અને અંદરના ઉકળાટની વ્યથા અનુભવતાં ખાટલા પર આડાં પડ્યાં હતાં. એમના ઘરની પાસે આવેલા એક ઝાડ પર ચકલી માળો બાંધી રહી હતી. ઘડીમાં ઊડતી ઊડતી જાય અને ઘાસ, તણખલાં, નકામા કાગળ, પીંછા વગેરે ચીજો ચાંચમાં લઈને પાછી આવે. એ ગોઠવે અને પાછી ઊડી જાય. સરયુબહેન ક્યાં સુધી માળો બાંધતી ચકલીને જોઈ રહ્યાં. થોડાક દિવસોમાં તો માળો તૈયાર પણ થઈ ગયો હતો. થોડા દિવસો પછી એમણે ચીં ચીંનો ધીરો ધીરો અવાજ સાંભળ્યો. એમને ધાર્યું કે બચ્ચાં આવ્યાં હશે. ચકલી બચ્ચાંનું ખૂબ જતન કરતી હતી. ચાંચમાં એમને માટે કંઈક ખાવાનું લઈ આવે અને પ્રેમથી બચ્ચાંનાં મોંમાં મૂકે. આ બધું જોવામાં એમને મજા પડતી. એમને થયું કે અબોધ પક્ષી પણ પોતાનાં સંતાનો માટે કેટલું વાત્સલ્ય ધરાવે છે !
અને એક દિવસ શું થયું ?

ફર ફર પાંખોનો ફફડાટ સંભળાયો. બચ્ચાં ઊડતાં શીખી ગયાં હતાં. ઊડીને સામે ઝાડ પર બેઠાં હતાં. ચકલી એમને ચીં ચીં કરી પાછાં બોલાવતી હતી, પરંતુ બચ્ચાં તો ઝાડ પર આનંદથી બેઠાં હતાં. નવું ઊડતાં શીખ્યાં હતાં તેના આનંદમાં મગ્ન હતાં. ચકલી બિચારી માળામાં એકલી બેઠી હતી.

સરયુબહેન બારી પાસે ક્યાં સુધી ઊભાં રહ્યાં. ચકલીએ એમને આજે જીવનનું એક સત્ય સમજાવ્યું હતું. પાંખ આવે એટલે બચ્ચાં ઊડી જ જાય ને ! એમાં નવાઈ જેવું શું છે ? એમાં શોક પણ શા માટે ? સૌમિલને હવે એનાં સ્નેહનું પાત્ર મળી ગયું હતું. એનો પોતાનો સંસાર હતો. એને પાંખો આવી ગઈ હતી. પોતાનું કર્તવ્ય પૂરું થયું હતું. હવે તો સૌમિલનું સંસારમાં ઊર્ધ્વ ઉડ્ડયન જોઈને જ આઘેથી એમણે આનંદ માણવો જોઈએ. એમણે તરત બૂમ પાડી :

‘સીમા, હું જરા બહાર જઈને આવું છું.’

‘પણ બા, તમારી તબિયત સારી નથી ને ક્યાં શ્રમ લો છો ?’
‘સીમા, હવે હું સારી થઈ ગઈ છું.’ સરયુબહેનના મોં પર કેટલે વખતે પહેલાંની સ્મિતરેખા ઝબકી ઊઠી. એમને એક નવી દષ્ટિ-નવી દિશા મળી ગઈ હતી.

પોસ્ટ :સંજય ભટ્ટ

loading...