Social, Stories

ગરીબની દીકરીએ રાખી અમીરની દીકરી ની લાજ…. વાચો સત્યઘટના..!!

‘બાપુ.. હું ત્યાં સામે બેઠી છું.. મારે લગ્ન જોવા છે… આપણાં નસીબમાં આવું જોવાનું ભાગ્ય પણ ક્યાં..? ગંગાએ તેના પિતાને…

Loading...

‘બાપુ.. હું ત્યાં સામે બેઠી છું.. મારે લગ્ન જોવા છે… આપણાં નસીબમાં આવું જોવાનું ભાગ્ય પણ ક્યાં..? ગંગાએ તેના પિતાને જોઇને કહ્યું.

‘હા.. જોઇલે… આપણે તો જોઇને મન વારવાનું અને મારવાનું…! તારા બાપને’ય હરખ છે કે તને ધામધૂમથી પરણાવવી પણ આપણી સ્થિતિ…!’ ગિરધારીએ ગંગાને માથે હાથ મુકીને કહ્યું.

‘બાપુ… શું તમે’ય..! તમારા આશિર્વાદ જ મારે મન કરોડો રુપિયાથી કમ નથી…!’ ગંગાએ પણ તેના પિતાજીને સહેજે’ય ઓછું ના લાગે તેનું ધ્યાન રાખ્યું.

ગંગા લગ્નની ચોરીની બરાબર સામે ગોઠવાઇ ગઇ.

કનક જ્વેલર્સના માલિક ગુણવંતલાલની એકની એક દિકરી ‘કનક’નો લગ્ન પ્રસંગ જાહોજલાલીથી ભરપૂર હતો.

કનક એટલે સોનુ… અને ગુણવંતલાલે કનકને આખે આખી સોનેથી મઢી દીધી હતી. ગુણવંતલાલને તો વિદેશોમાં સોનાની ખાણો છે તેવી લોકમાન્યતા પ્રચલિત હતી. જો કે તેમનો રોજનો સોનાનો કારોબાર તોલામાં નહી કિલોમાં રહેતો

કનકની સુંદરતા પણ કુદરતે ઠાંસી ઠાંસીને ભરી હતી. રૂપનું ઐશ્વર્ય અને સાથે સુખનો છાંયડો… બન્નેથી કનકનું રુપ આજે લગ્નમંડપમાં દીપી ઉઠ્યું હતું.

જ્યારે સામે બેસેલી ગંગા સાવ સાધારણ પરિવારની દિકરી… ગિરધારીની ગરીબીમાં જ તે ઉછરેલી.. દુ:ખના દહાડા અને પેટના ક્યારેય ન પુરાયેલા ખાડાથી ગંગા સાવ સુકલકડી અને શ્યામવર્ણી હતી. વળી, તેના ચહેરા પર દાઝી ગયેલાના નિશાન પણ તેની કદરુપતાનો વધારો કરતા હતા.

ગંગાને મહિના પહેલા જ કનકે ઘરના બગીચામાં માળીનું કામ આપ્યું હતું. તેઓની ફુટપાથ પર નાની નર્સરી હતી અને બાજુની ઝુપડપટ્ટીમાં તેઓ રહેતા.

લગ્નની ચોરી ફરતે વિદેશી ફુલોની સજાવટ અને તેની સુગંધથી ચોરી ખીલી ઉઠી હતી.

ગંગા પ્રથમ હરોળમાં ખૂણાની ખુરશીમાં બેસી બધુ જોઇ રહી હતી.

ત્યાંથી થોડે દુર બેસેલી ધનવાન સ્ત્રીઓને આ કદરુપી ગંગાને સાવ સાદા કપડાંમા બેસેલી જોઇને અણગમો થયો.

‘એય.. છોકરી તું પાછળ બેસ… આ જગ્યા ખાસ મહેમાનો માટે છે…!’ આખરે મેકઅપ અને ઘરેણાંથી લદાયેલી એક સ્ત્રીએ ગંગાને જોઇને કહી દીધું.

ગંગા તેમના બોલવાની રીત પરથી તે જાણી જઇ કે તેમને શું તકલીફ હતી.
તે પાછળ જઇને બેસી.

પણ પેલી સ્ત્રી તો હજુ પણ તેની સામે કતરાયેલી નજરે જોઇ રહી હતી.

મહેમાનોની ખુરશીમાં વેલકમ ડ્રીન્ક અને સાથે નાસ્તો પીરસાઇ રહ્યો હતો.. પણ ગંગાને તો લગ્ન જોવામાં જ રસ હતો.

લગ્નગીતોની રમઝટ શરુ થઇ અને ગોર મહારાજે મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ શરુ કરી.

બીજી બાજુ જમણવાર શરુ થયો.

ગિરધારીનું મન તો ક્યારનુયે ઉતાવળું હતું કે કોઇ શરુ કરે એટલે પોતે પણ જમવાના હરી હર કરે.

ખાવાના શોખીન ગિરધારી માટે આજની સાંજ તો અન્નકૂટ જેવી હતી. ચારે બાજુ સ્વાદિષ્ટ વ્યંજનોથી ઘેરાયેલા ગિરધારીએ તો દરેક મિઠાઇ ઉપર સરખું જ આક્રમણ કર્યુ.

રિસેપ્શનમાં બત્રીસ જાતના ભોજનને પણ ટપી જાય તેવી જુદી જુદી વેરાઇટી અને ખુશનુમા વાતાવરણથી બે પાંચ નહી પણ પચાસેક કોળીયા વધારે ખાઇ લીધું.

‘અરે..! આઇસ્ક્રીમ હજુ તો બાકી છે…..! મેં તને કીધું કે ભાત ઓછો લાવજે… જો ને હવે પેટમાં આઇસ્ક્રીમની જગ્યા કેવી રીતે થશે…??’ ગિરધારીએ નિસાસો નાખીને પોતાની પત્ની ગોદાવરીને કહ્યું.

‘પણ તમારે બાસુંદી ઓછી ઝાપટવી’તી ને…! પેલો પિરસવાવાળો પણ તમારી સામે ટગર ટગર જોતો તો… ત્યાં ઉભા ઉભા જ પાંચ વાડકા પી ગયા ત્યારે મને પણ શરમ આવી’તી…!’ ગોદાવરીએ તો સામે સંભળાવી જ દીધું.

‘ગુણવંતલાલ શેઠનું આમંત્રણ તો નસીબવાળાને જ મળે…! આ તો આપણે ભાગશાળી કે આવો સ્વાદ ચાખવા મળ્યો… સ્વાદ દાઢે ચઢી જાય પછી કેવી રીતે રોકાય…? બાસુંદી મીઠી હતી.. તારા જેવી જ…!’ ગિરધારીના રોમાન્ટિક મિજાજે ગોદાવરી પ્રૌઢ વયે પણ મલકાઇ ઉઠી.

ગુણવંતલાલની કંકોત્રી મળી તે દિવસથી જ ગિરધારીની જીભની લાળ સુકાતી નહોતી. જીવનમાં જમ્યાનું સુખ લેવાની તાલાવેલીમાં તો છેલ્લા ત્રણ દિવસ તો ઉપવાસ ખેંચી નાખેલા..!

ત્યાં ગોદાવરી આઇસ્ક્રિમ લઇને આવી. ગિરધારીનો વાડકો આઇસ્ક્રિમથી છલકાઇ ગયેલો હતો. જો કે ગોદાવરીને ખ્યાલ હતો જ કે પેટમાં ભલે જગ્યા ના હોય તોયે આખો વાડકો તો તે ઝાપટી જ જશે…!

અને ગિરધારીએ બે મોટા ઓડકાર ખાઇને પેટમાં થોડી જગ્યા પણ કરી લીધી.

‘હવે બે પાન લઇ આવજે.. ખાલી મોઢાંમા જ જગ્યા બાકી છે.. અને ગંગાને પણ કહી દે જે કે જમી લે.. આપણને મોડી રાતે રીક્ષા પણ નહી મળે.’ ગિરધારીએ આઇસ્ક્રિમ પુરો કરતા કહ્યું.

હવે ગિરધારીથી એક ડગલું પણ ચલાય તેમ નહોતું એટલે તેને ગોળ સજાવેલા ટેબલ પર એક ખાલી ખુરશીમાં જેમ આખો ભરેલો કોથળો જમીન પર ફેંકાય તેમ તેને પોતાનું શરીર ફેંકી દીધું.

ગોદાવરી બે પાન લઇને નજીક આવી. ગિરધારીએ બન્ને પાન બન્ને ગાલના ગલોફામાં ગોઠવી દીધા.

હવે તે કાંઇ બોલી શકે તેમ નહોતો.
તેને પોતાના ખિસ્સામાંથી જુનુ કોકડુવાળી ગયેલી પચાસની નોટ અને એક રુપિયો રોકડો કાઢી અને ગોદાવરીને ચાંલ્લો લખાવી નાખવા ઇશારો કર્યો.

ગોદાવરી પચાસની નોટ અને રુપિયો લઇને ચાંલ્લો લખનાર ટેબલ તરફ ચાલી.

ત્યાં જોયું તો બધા શુટ અને સરસ મજાની સાડીમાં ખૂબ અમીર લોકો ચાંલ્લો લખાવી રહ્યાં હતા.

ગોદાવરીને સહેજ પાછળ જઇને જોયું તો બધા ચાર આંકડામાં જ ચાંલ્લો લખાવી રહ્યાં હતા. તેને પોતાના હાથમાં સાવ નાની નોટ જોઇને ખચકાટ થયો.

જ્યાં હજારોમાં ચાંલ્લો લખતા હોય ત્યાં એકાવન રુપિયા કેટલા ક્ષુલ્લક લાગે…! ગોદાવરી ઉભી રહી ગઇ અને તે ગિરધારી તરફ પાછી વળી.

‘કહુ છું સાંભળો છો…! અહીં તો બધા હજાર હજારનો ચાંલ્લો કરે છે… આપણે સાવ એકાવન…!’ ગોદાવરી ધીરેથી બોલી.

ગિરધારીના મોંમા પાન હતુ એટલે તે બોલી શકે તેમ નહોતો. તેને પોતાના ખિસ્સા પર હાથ ફેરવી જણાવી દીધું કે તેની પાસે તો એટલા જ રુપિયા છે…

‘પણ.. તમે તો દસ માણસોનું ગળચી લીધું છે… પાંચસો તો લખાવવો જ જોઇએ…!’ ગોદાવરીએ ગિરધારીની સાવ નજીક આવીને કહ્યું.

ગિરધારીએ પાનના રસનો એક ઘુંટડો ઉતારીને બોલી શકાય તેટલી જગ્યા કરી અને બોલ્યો, ‘આપણી ગંગાના લગ્ન આવતા મહિને છે.. સિત્તેર હજારનું કરજ માથે લીધું છે… આ તો આપણી પહોંચ જેટલી તેટલો ચાંલ્લો હોય…!’

‘મોટા મોટા ચાંલ્લાની વચ્ચે એકાવન જેટલો મામૂલી ચાંલ્લો લખાવતા મને શરમ આવે છે…!’ ગોદાવરી કહી દીધું.

ગિરધારીએ બધા ખિસ્સા ફરી ફંફોસ્યા પણ ખાલી કાગળો સિવાય કાંઇ ના મળ્યું એટલે ગોદાવરીએ પોતાના પાકીટમાંથી કોકડુ વળી ગયેલી દસ દસની પાંચ નોટો કાઢી અને એકસો એક જેટલી રકમ ભેગી કરી.

‘અલી, સાંભળ.. ઘરે જવા માટે રીક્ષાભાડું તો જોઇશે’ને..!’ ગિરધારીએ કહ્યું.

‘એ તો ચાલતા જઇશું.. બહુ ખાધું છે પચી જશે..!’ એમ કહી ગોદાવરી ફરી ચાંલ્લો લખતા ટેબલ પર ગઇ અને એકસો એકનો ચાંલ્લો લખાવ્યો.

પેલા ચાંલ્લો લખવાવાળાએ નોટોની અને ગોદાવરીની લઘર વઘર હાલત જોઇને મોં બગાડ્યું, ‘ આના કરતાં ના લખાવો તો’ય ચાલે..!’

પેલાના શબ્દો ગોદાવરીને તીરની જેમ વાગ્યાં. પણ ગરીબ લોકોને તો આ મ્હેણાંનું તો રોજનું થયું.. તે તો નામ લખાવી ચાલી નીકળી.

‘ગંગા ચલ જમી લે… લગ્નવિધી પતવા આવી છે… હવે આપણે મોડું થશે…!’ ગોદાવરીએ ગંગાને જમવા બોલાવી. ગંગા અને ગોદાવરીએ પણ જમવાનું શરુ કર્યુ.

આ બાજુ ગિરધારીને જોઇ પાર્ટી પ્લોટવાળાને શક ગયો કે આ કોઇ વણનોતર્યો મહેમાન આવી ગયો છે.

તેને બધાથી દુર બોલાવી ગુસ્સાથી બોલ્યો, ‘ સાલ્લા… જમણવાર જોઇને જમવા આવી જવાનું.. નીકળ અહીંથી..!’

ગિરધારીએ કહ્યું, ‘ હું તો આમંત્રણથી આવ્યો છું.’

‘તો બતાવ કંકોત્રી….!’

‘એ તો ઘરે છે..!’

‘ચલ.. નીકળ અહીંથી નહી તો…’ પેલાએ ગિરધારીની ગળચી પકડી.

ગિરધારી બિચારો લાચાર બની આજીજી કરવા લાગ્યો, ‘સારુ મારા ઘરના અને મારી દિકરીને આવી જવા દે…!’

‘એટલે.. આખા ઘરના બધાને લઇને આવ્યો છે..!’ પેલાનો ગુસ્સો વધી ગયો અને બોલ્યો, ‘સારુ બોલાવ બધાને… જોવું તો ખરો.. ફોગટનું ખાનારો પરિવાર કેવો છે ?’

‘ફોગટનું નથી એકસો એક ચાંલ્લો કર્યો છે…!’ ગિરધારી બરાડ્યો.

‘ચાંલ્લો કર્યો એટલે ગમે ત્યાં ખાઇ લેવાનું…!’ એટલું કહી પેલાએ ધક્કો માર્યો અને ગિરધારીનું મોટું શરીર ગબડી પડ્યું.

જમીન પર પડતા ગિરધારીને એક મોટો પથ્થર વાંસામાં લાગતા તે જોરથી બરાડી ઉઠ્યો અને ત્યાં સિક્યુરીટી અને દસેક લોકો એકઠાં થઇ ગયા.

‘આ તો મફતીયો અહીં આવી ગયો તો એટલે…!’ પેલાએ ગિરધારીને પડ્યા પર પાટું માર્યુ..
બીજા લોકો પણ ગિરધારીને મનફાવે તેમ મારવા લાગ્યા.

કોલાહલ થતા બીજા લોકો આવ્યાં તેમાં ગંગા અને ગોદાવરી પણ હતા.

પોતાના પિતાજીની હાલત જોઇને તે બાઝી પડી અને રડવા લાગી. ‘ છોડો મારા બાપુ’ને…!’

અને ગુણવંતલાલ પણ ત્યાં આવી ગયા.

ગંગાને જોઇને તેને ઓળખી ગયા. ‘ અરે બેટા ગંગા.. તું ક્યારે આવી…? અને આ શું થયું…?’

ગુણવંતલાલ પરિસ્થિતિને પામી ગયા તેમને જાતે જ ગંગા અને ગિરધારીને ઉભા કર્યા અને બધાનું માથું શરમથી ઝુકી ગયું.

તે ત્રણેયને લગ્નમંડપ સુધી લઇ ગયા..
અને બધાની વચ્ચે ગંગાની માફી માંગી અને ચોરીની વચ્ચે જ ઉભા રહીને બોલ્યા, ‘ બેટા ગંગા… બધા વતી હું માફી માંગુ છું.. એ લોકોને નથી જાણતા કે આજે મારી દિકરી કનકની કંચનવર્ણી કાયા છે તેની પાછળ ગંગાના ચહેરા પર પડેલા ડાઘનું રહસ્ય છે. બેટા તે દિવસે મારી દિકરી કનકને કદરુપી કરવા તેની જ કોલેજના તોફાનીઓએ એસિડથી હુમલો કર્યો તો.. આ તો અણીના સમયે તું ત્યાં હતી અને તેમને બહાદુરીપૂર્વક રોકી લીધેલા અને મારી દિકરીને બચાવેલી… જો ગંગા તે દિવસે તું ન હોત તો આ તારા ચહેરા કરતા’ય વધુ દાગ મારી દિકરીના ચહેરા પર હોત… બેટા.. તારુ અમારા પર અનેકગણું ઋણ છે.. જે દિકરીએ મારી દિકરીને બચાવી તેના પિતાનું અપમાન થયું તે બદલ હું ખૂબ દિલગીર છું..!’ ગુણવંતલાલ જેવા મોટા માણસ આજે પોતાની દિકરીના પ્રસંગે દિલગીર બની ગયા.

‘અરે.. આ તો… અમારે રોજનું થયું… ગરીબીને માન અને અપમાન કેવું..! તમારો પ્રસંગ અમારા કારણે બગાડવા નથી માંગતા… અમને રજા આપો…!’ ગિરધારીએ બે હાથ જોડી રજા માંગી.

ત્યાં કનક તેના પિતાની નજીક આવી અને કાનમાં કંઇક કહ્યું.

‘ઓહ.. એમ વાત છે…!’ ગુણવંતલાલ બોલ્યા.

‘હા.. તો ગંગા મને અત્યારે જ ખ્યાલ આવ્યો કે આવતા મહિને તારા લગ્ન છે.’ ગુણવંતલાલે તેમને રોકતા કહ્યું.

‘હા..!’ ગંગાએ એકાક્ષરી જવાબ આપ્યો.

‘તો ગંગા… તમે અમારા પ્રસંગે આવ્યાં છો તો તમને ખાલી હાથે નહી જવા દઉં. આજે મારી દિકરીને જેટલા ઘરેણાં ચઢાવ્યાં છે તેટલા જ ઘરેણાં તને તારા લગ્નમાં મારી દિકરી કનક તરફથી ભેંટ…. અને હા આજનો જે ચાંલ્લો થશે છે તે બધી રકમ તારા લગ્નખર્ચ માટે મારા તરફથી તને લગ્ન ભેંટ…! ગંગા એમ માનજે કે તું પણ કનકની જેમ મારી બીજી દિકરી છે.’ અને ગુણવંતલાલે ગંગા અને કનક બન્નેના માથા પર હાથ મુકીને આશિર્વાદ આપ્યાં.

ગિરધારી અને ગોદાવરીના આગળ વધતા પગલા અટકી પડ્યાં અને ગુણવંતલાલની ઉદારતા પર તેઓ તેમના ચરણોમાં ઝુકી પડ્યાં.

loading...