Stories

ગુર્જરોનો દેશ એટલે ગુજરાત. ગુજરાતી ભાષા બોલતો પ્રદેશ એટલે ગુજરાત.

ગુર્જરોનો દેશ એટલે ગુજરાત. ગુજરાતી ભાષા બોલતો પ્રદેશ એટલે ગુજરાત. પારસી કવિ શ્રી અરદેશરના કાવ્યની એક પંક્તિ, “જ્યાં જ્યાં વસે…

ગુર્જરોનો દેશ એટલે ગુજરાત. ગુજરાતી ભાષા બોલતો પ્રદેશ એટલે ગુજરાત.

પારસી કવિ શ્રી અરદેશરના કાવ્યની એક પંક્તિ, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ પંક્તિ ગુજરાતી લોકોની ઓળખ સમાન બની ગઈ છે અને એ વાત એટલી સાચી પણ છે કે જ્યાં પણ તમે ગુજરાતી વ્યક્તિને જોશો ત્યાં તમને ગુજરાતની ખુશબૂનો અહેસાસ થશે.

ગુજરાત પર્વત, નદીઓ, દરિયાકિનોરો, વનપ્રદેશ ધરાવતો એક સમૃદ્ધ પ્રદેશ છે. ગુજરાતમાં વિવિધ તહેવારો, ઉત્સવો, મેળાવડાનું પણ આયોજન થતું હોય છે. ગુજરાતનાં ઢોકળા, ખમણ વિશ્વભરમાં જાણીતાં છે. ગુજરાતની ભૂમિ પરદેશીને પણ પોતાપણાનો અહેસાસ કરાવે તેવી છે આથી એક વાર અચૂકથી ગુજરાત રાજ્યની મુલાકાત લેવા જેવી છે.

પારકાને પણ પોતાના બનાવી લે તેવા ભારત દેશના એક મહત્ત્વના રાજ્ય ગુજરાત વિશેની માહિતી સંક્ષિપ્ત ઇતિહાસ, આઝાદી બાદનું ગુજરાત, ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાત અને ગુજરાતના જિલ્લાઓ દ્વારા જાણીએ.

સંક્ષિપ્ત ઇતિહાસ

ગુજરાતનો વિસ્તૃત ઇતિહાસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે :

(1) પ્રાચીન યુગ

(2) મધ્યકાલીન યુગ

(3) આધુનિક યુગ

અહીં આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા ઇતિહાસનો સંક્ષિપ્ત ભાગ રજૂ કરવામાં આવ્યો છે :

હિંદની પશ્ચિમ દિશાએ આવેલો ગુર્જરોનો દેશ; ઉત્તરમાં આબુ, દક્ષિણમાં દમણ, પશ્ચિમે દ્વારકા અને પૂર્વમાં દાહોદ એની વચમાંનો પ્રદેશ; ગુર્જર લોકોએ આબાદ કરેલી ભૂમિ એટલે ગુજરાત. ગુર્જર લોકોનો પ્રદેશ એટલે ગુજરાત.

શક, આહીર અને બીજા લોકોની પેઠે ગુર્જર લોકો પણ વાયવ્ય કોણમાંના ડુંગરી પ્રદેશમાંથી હિંદુસ્તાનમાં દાખલ થયા. પ્રથમ તેઓ પંજાબ અને સંયુક્ત પ્રાંતોમાં વસ્યા. ગુજરાત અને ગુજરાનવાલા એ બે જિલ્લા પંજાબમાં છે તેનાં નામ એ લોકો ઉપરથી પડ્યાં છે. મથુરાથી તેઓ રજપૂતાના અને માળવામાં પ્રસર્યા.

માળવામાંથી દક્ષિણ તરફ ખાનદેશમાં અને પશ્ચિમ તરફ ગુજરાતમાં ફેલાયા. ડિડાવાળા અને ઘટિયાળામાં વિક્રમ સંવત ૯માં લખેલ એક તામ્રપત્ર અને એક શિલાપત્ર મળી આવ્યા છે તેમાં ગુજરાત પ્રાંતને ગુર્જરત્રા એટલે ગુર્જરોને આશ્રય દેનારી ભૂમિ કહ્યો છે. ગુર્જરત્રાનું પ્રાકૃત રૂપ ગુજરત્તા થઈ ગુજરાત નામ પડ્યું છે. પ્રાચીન ગુજરાતમાં મહી નદીના ઉત્તર ભાગનો જ એટલે પાલણપુર, કડી, અમદાવાદ, મહીકાંઠા અને ખેડાનો જ સમાવેશ થતો હતો. અણહિલવાડમાં ચાવડા લોકોનું રાજ્ય હતું. તે દરમિયાન એટલે ઈ.સ. ૭૨૦થી ૯૫૬ સુધીમાં એ પ્રદેશનું ગુજરાત નામ પડ્યું. મહીના દક્ષિણ પ્રદેશને લાટ કહેતા હતા. લાટ શબ્દ ઘણો પ્રાચીન છે. સંસ્કૃત અલંકાર ગ્રંથોમાં અમુક પ્રકારના અનુપ્રાસને લાટાનુપ્રાસ કહે છે, કેમકે તે લાટ લોકોને પ્રિય છે. ઈ.સ. ૮૮૮ના રાષ્ટ્રકૂટના શિલાલેખમાં તાપી નદી ઉપર સુરત પાસેના વરિયાવ ગામ સુધઈના પ્રદેશને કોંકણ નામ આપ્યું છે. મુસલમાન રાજ્ય દરમિયાન સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધીના મહીના દક્ષિણ પ્રદેશને ગુજરાત નામ આપવામાં આવ્યું. ગુર્જર લોકોએ રજપૂતાનામાં મોટું રાજ્ય સ્થાપ્યું હતું અને તેની રાજધાની ભીનમાલ કે શ્રીમાલ હતી. એ રાજવંશમાં છ રાજા થઈ ગયા. તેમાંના ભોજરાજાના વખતમાં તેમની સત્તા કનોજમાં સ્થપાઈ. ભોજરાજાની પછી મહેંદ્રપાલે અને મહિપાલે કનોજમાં રાજ્ય કર્યું.

મારવાડ અને કનોજના ગુર્જર રાજાઓને મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટ રાજાઓ સાથે વારંવાર લડાઈ થતી. એક શિલાલેખ ઉપરથી જણાય છે કે કનોજના રાજા પ્રતિહારી વંશના હતા. પડિહાર, પરમાર, ચોહાણ અને સોલંકી એ ચાર રજપૂત રાજવંશોમાંના પડિહાર વંશને જ પ્રતિહારી વંશ તરીકે શિલાલેખોમાં કહ્યો છે. ઈ.સ. ૯૬૧માં સોલંકી વંશની સ્થાપના થઈ એ પ્રદેશનું નામ ગુજરાત તરીકે સ્થાપિત થયું. શ્રીમાળ, ચંદ્રાવતી, પંચાસર, પાટણ અને અમદાવાદ ગુજરાતની રાજધાનીઓ થઈ છે. વઢિયાર, ચુંવાળ, ભાલ, ચરોતર, મેવાસ, કાનમ એવા ગુજરાતના જૂના વિભાગો હતા. સંવત ૧૩૦૦ પછી અને ખાસ કરીને ગુજરાતમાં મુસલમાની રાજ્ય અમલ શરૂ થયા પછી ગુજરાત શબ્દની વ્યાપ્તિ વધીને લાટ, સોરઠ તથા વાગડ દેશ પણ ગુજરાતમાં ગણાવા લાગ્યા.

ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુરશાહ હતો. માળવા જીતી તેને ચિતોડ પર આક્રમણ કર્યું. ચિતોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી મદદની માંગણી કરી. હુમાયુએ પોતાની ધર્મની બહેનને મદદ મોકલી અને યુદ્ધમાં બહાદુરશાહને હરાવ્યો. હારેલ બહાદુરશાહ દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મરણ થયું. ત્‍યારબાદ ગુજરાત ઉપર મોગલોનું સામ્રાજ્ય આવ્યું. અકબરે ગુજરાત ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા.

જહાંગીરના શાસનકાળ દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. ઈ.સ. 1612માં અંગ્રેજોએ પહેલ-વહેલી વેપારી કોઠી સુરતમાં નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત, ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત (ઈ.સ. 1664 અને 1672માં) આક્રમણ કર્યું. આ સમયગાળા દરમ્યાન ગુજરાતનાં બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન શરૂ થઈ ચૂક્યું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ઈ.સ. 1857માં અંગ્રેજ શાસન સામે થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા. ગુજરાતમાં નાંદોલ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ 1857ની ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર સબળ નેતાના અભાવે આ બળવો વ્‍યાપક બની શકયો નહીં.

આ ક્રાંતિ બાદ દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ શરૂ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો.

ગુજરાતની ભૂમિએ ઘણા વીરોને જન્મ આપ્યો છે, જેમણે ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જેમકે ઈ.સ. 1885માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. આ ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટેના પ્રયત્‍નો કર્યા. ભારતને સ્વતંત્રતા અપાવનાર આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869માં પોરબંદરમાં થયો હતો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, મિલ માલિક અંબાલાલ સારાભાઈ, અનસૂયાબહેન, શંકરલાલ બેંકર, અંબુભાઈ પુરાણી, રવિશંકર મહારાજ વગેરે જેવા અનેક સપૂતો ગુજરાતની ભૂમિ ઉપર થઈ ગયા.

ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ ચુકવણીના પ્રશ્નો અંગે ગાંધીજીની આગેવાની હેઠળ 22મી માર્ચ, 1918ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. ખાદીનો જન્મ પણ ગુજરાતમાં થયો હતો.

ઈ.સ. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્ત્વના રહ્યા. કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્ત્વનો ફાળો આપ્‍યો હતો. આ ઉપરાંત દાંડીકૂચ જેવી ઐતિહાસિક ચળવળ પણ ગુજરાતમાં થઈ.

આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા. તેમણે પોતાની બુદ્ધિ-શક્તિના બળે અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, સમજાવી અખંડ ભારતમાં સમાવી દીધાં.

આઝાદી બાદનું ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ગુજરાતનાં રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન થયું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઈમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતના પ્રદેશનો સમાવેશ થયો હતો. સ્‍વતંત્રતા પછી ઈ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬માં મુંબઈ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યના કેટલાક ભાગોનો સમાવેશ થયો હતો. નવા મુંબઈ રાજ્યના ઉત્તર ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી જ્યારે બાકીના ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી. ઈ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોના કારણે મુંબઈ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર – એમ બે રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાત રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોની પ્રમુખ જગ્યાઓ જેમકે લોથલ અને ધોળાવીરા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું. સ્વાયત્ત ગુજરાત રાજ્યની પ્રથમ રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા વિકસેલા ગાંધીનગરમાં ગુજરાત રાજ્યની રાજધાની ખસેડવામાં આવી.

ઔદ્યોગિક દૃષ્ટિએ ગુજરાત ભારત દેશનું મહત્ત્વનું સ્થાન ધરાવતું રાજ્ય છે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર ઘણો ઊંચો છે. ગુજરાતમાં ઘણા વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે.

 

પાટનગર ગાંધીનગર
ક્ષેત્રફળ 1,96,024 ચો. કિ.મી. (ચોરસ કિલોમીટર)
વસ્તી 6 કરોડથી વધારે
સાક્ષરતાનો દર 78%થી વધારે
જિલ્લા 33
તાલુકા 248
રેલમાર્ગો 5656 કિ.મી.
હવાઈ મથકો અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કેશોદ, સુરત, ભૂજ, પોરબંદર, ભાવનગર
મુખ્ય ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સિંધી, મરાઠી
મુખ્ય પાક કપાસ, તેલીબિયાં, ચોખા, શેરડી, તમાકુ વગેરે
મુખ્ય ઉદ્યોગો સુતરાઉ કાપડ, સિમેન્ટ, રસાયણો, પેટ્રોકેમિકલ્સ, ડેરી પેદાશો, ખાંડ વગેરે
મુખ્ય શહેરો અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી, મહેસાણા (અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે)
નદીઓ નર્મદા, સાબરમતી, તાપી, અંબિકા, આજી, ઊંડ, ઓઝત, ઓરસંગ, ઔરંગા, કનકાવતી, કરજણ, કાળુભાર, કીમ, ખારી, ઘેલો, ઢાઢર, દમણગંગા, ધાતરવડી,ધોળીયો, નાગમતી, પાનમ, પાર, પૂર્ણા, પુષ્પાવતી, ફાલ્કુ, ફુલઝર, બનાસ, બ્રાહ્મણી, ભાદર, ભુખી, ભોગાવો, મચ્છુ, મહી, મહોર, માઝમ, માલણ, મીંઢોળા, મેશ્વો, રંઘોળી, રાવણ, રુકમાવતી, રૂપેણ, વાત્રક, વિશ્વામિત્રી, શિંગવડો, શેઢી, શેત્રુંજી, સરસ્વતી, સાસોઈ, સુકભાદર, હાથમતી, હિરણ, બનાસ (નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે)
અભયારણ્ય નળ સરોવર પક્ષી અભયારણ્ય – અમદાવાદ, બરડા વન્યજીવ અભયારણ્ય – પોરબંદર, ગીર અભયારણ્ય – જૂનાગઢ, જેસોર રીંછ અભયારણ્ય – બનાસકાંઠા, વેળાવદર કાળિયાર અભયારણ્ય – ભાવનગર, ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય – ગાંધીનગર, થોળ પક્ષી અભયારણ્ય – મહેસાણા, જાંબુઘોડા અભયારણ્ય – પંચમહાલ, રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય – દાહોદ, પાણીયા અભયારણ્ય – અમરેલી, હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય – રાજકોટ, ગાગા અભયારણ્ય – જામનગર, ખીજડીયા અભયારણ્ય – જામનગર, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય – કચ્છ, કચ્છ ઘોરાડ અભયારણ્ય – કચ્છ, મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય – અમરેલી

(ઉપર જ્યાં જ્યાં આંકડાકીય માહિતી આપવામાં આવી છે તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૂચવેલ ગુજરાત રોડ એટલાસ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે)

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો. #GujaratiFunda

loading...