Stories

મનની મીરાત – રિલેશનશિપ: ડાઉટને કરી દો આઉટ

  અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ, દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ મળી કેવો ગયો…

Loading...

 

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ,

દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ

મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’,

ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ.

વાસવી આ શેરપંક્તિઓ એસ.એમ.એસ. દ્વારા પોતાના બિલવ્ડ વાસવને ‘સેન્ડ’ કરે છે. તે સામે છેડેથી રિપ્લાયની રાહ જોતી થોડા દિવસ પહેલાં ખરીદેલાં ટેબલેટમાં યુ-ટ્યુબ પર મનગમતું ગીત માણી રહી છે: કિતને કિસ્સે હૈ તેરે મેરે, કિતને કિસ્સે હૈ બસ તેરે મેરે… ધૂપ કડી હૈ, છાવ મેં લે મુઝે આંચલ મેં તેરે, ઓંસ બડી હેં ચૂમ લે પાવ ઝમીન સે તેરે… કિતને કિસ્સે હૈ બસ તેરે મેરે…. આ ગીત તેના દિલના તારને ઝણઝણાવી ગયું છે. તેના અર્થસભર લિરિક્સે ગજબ અસર ઊભી કરી છે! આ સોંગની લિન્ક તે પોતાના ‘પાર્ટનર’ વાસવ સાથે શેર કરે છે.

કોણ જાણે કેટલા કિસ્સાઓ, યાદો અને લાગણીઓને વાસવીએ ગૂંથી રાખી છે પોતાનાં દિલમાં. આ પળે અજાણતા, ઓચિંતી છુપાવી રાખેલી વહાલી યાદનો મણકો ખરી પડે છે ત્યારે હૃદયમાં ભીંસીને બંધ કરી રાખેલી લાગણીઓ ગીતના નિમિત્તમાત્રથી ધોધમાર વરસી પડે છે. અત્યારે તે ઇમોશન્સના નાયગ્રામાં નહાઇ રહી છે. વાસવનો ભીનો અવાજ સેલફોન દ્વારા તેના કાને પડે છે અને લાગણીઓની ગડીઓ સાવ સહજતાથી ખૂલતી જાય છે. તે ભીંજાય છે ગુલાબી યાદો અને સંતાડી રાખેલી સ્નેહભરી સોનેરી ક્ષણોના મખમલી વરસાદમાં.

વાસવનો વાસવી પ્રત્યેનો પ્રેમ બ્લેક કોફી જેવો કડક મિજાજ ધરાવે છે. તેણે વાસવીના શરીરને નહીં પણ આત્માને પ્રેમ કર્યો છે. તેણે તેની ખૂબીની સાથોસાથ ખામીઓનો પણ સહજ સ્વીકાર કર્યો છે. તો સામે વાસવી પણ બરાબર જાણે છે કે વાસવએ તેની બાહ્ય સુંદરતાને ધ્યાનમાં રાખી નથી પણ તેનાં આંતરિક સૌંદર્યને અનુભવ્યું છે. તે સહેલાઇથી વાસવનો પ્રેમ પામી છે પણ તેના અનુરાગને સમજવો અને સમજીને જીવનપર્યંત ટકાવી રાખવો તેને અઘરો લાગે છે.

વાસવ અને વાસવી સુખના સમયમાં સ્નેહને પામ્યા છે અને પીડાની પળોમાં પ્રેમને પારખ્યો છે. વાસવીને લાગે છે કે જીવનમાં પ્રેમ કરનારા તો એક કરતાં વધારે મળ્યા છે પણ તેની લાગણીને સમજનારી અને ખામીઓને સ્વીકારનારી વ્યક્તિ તો વાસવ એકમાત્ર છે.

વાસવની સ્નેહની સગાઇ અંગેની વિચારધારા આ પ્રમાણેની છે: સ્નેહનો સંબંધ એ લોહીના સંબંધથી અનેકગણો મહાન છે. જીવનમાં પરિસ્‍થિતિ ભલે બદલાય પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સોના જેવો શુદ્ધ પ્રેમ એ નિરંતર વહેતા પાણી જેવો હોય છે. તે પોતાનો રસ્‍તો આપોઆપ જ કરી લે છે.

વ્‍યકિત જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્‍યાં આપોઆપ જ તણાતી રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકમેકમાં ભળીને એક થઇ જાય છે. અસલી પ્રેમ હોય છે ત્‍યાં વિશ્વાસનું વર્ચસ્વ રહે છે. પણ અતૂટ ભરોસાના અભાવે સાચો પ્રેમ કદી પાંગરતો નથી. સંબંધોની ઇમારતમાં પ્રેમનો પાયો જ નબળો હશે તો જીવનભર એ તેને અકબંધ અને અડીખમ રાખવી અશક્ય બની જાય છે.

ભોળી પારેવા જેવી વાસવીને વાસવ ફોન પર સમજાવે છે, ‘દરેક સંબંધનું એક સત્‍ય હોય છે. તારું અને મારું સત્‍ય એક થયું છે એટલે જ સાત્ત્વિક પ્રેમનું નિર્માણ થયું છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવડત. આપણા સંબંધમાં સત્‍ય કેવું અને કેટલું છે એના પરથી જ આપણા અનુરાગની આવરદા નક્કી થાય છે. આપણને બંનેને ખબર હોવી જોઇએ કે એકબીજા પાસેથી આપણે શું જોઇએ છે.

પ્રેમનાં સત્‍યનું પણ લોહી જેવું છે. જો બ્‍લડગ્રૂપ એકસરખું ન હોય તો લોહી ચડાવી શકાતું નથી. એ જ રીતે પ્રેમસંબંધનું સત્‍ય જો એકસમાન ન હોય તો પ્રેમનું સગપણ લાંબો સમય ટકતું નથી. અમુક વખતે હું મૌન રહું છું એનો અર્થ એવો નથી કે મારે કંઇ કહેવું નથી, કહેવું તો હોય છે પણ મારા મૌનને તું સમજતી નથી. હું ઇચ્છું છું કે આપણો પ્રેમ મૌનને પણ સમજી શકે. પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનું તો ચાલ્‍યા જ કરે.’

સામે છેડેથી વાસવી સમજભર્યો જવાબ આપે છે, ‘આજથી હું મારું સર્વસ્વ ગુમાવીને અમીર બની જાઉં છું. મને લાગે છે કે એ જ સાચો પ્રેમ છે. ગમે તેટલી દુઃખી ભલે હોઉં પણ તું મારી સાથે છે અને મારું બધુ દુઃખ વિસરાઇ જાય છે. પરિસ્થિતિ અને સંજોગો ભલે અલગ હોય પણ તારી પ્રત્યેના મારા વિશ્વાસને કોઇ ડગાવી નહીં શકે.’ એટલામાં વાસવીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ચૈતીની યાદ આવે છે. તે વાસવીની એકદમ પાક્કી બહેનપણી છે. તેના સ્વભાવની દરેક મર્યાદા વાસવી જાણે છે.

ચુલબુલી ચૈતીના મેરેજને હજુ માંડ બે વર્ષ થાય છે. તેનો ‘હબી’ સાવન લૂકિંગ સો હેન્ડસમ! તેનો નેચર પણ કૂલ છે. તે ચૈતીને વાદળ ભરીને વહાલ કરે છે. પણ સાવન જ્યારે પોતાની ફીમેલ કલીગ્સ સાથે હસી હસીને વાતો કરે છે ત્યારે કે પછી પોતાના યાર દિલદારની સાથે થોડો ટાઇમ ‘સ્પેન્ડ’ કરે છે ત્યારે ચૈતી ખૂબ જ ‘ઇનસિક્યોર’ ફીલ કરે છે. તેને પોતાના ‘હની’ની ફીમેલ ફ્રેન્ડ્સની સખત જલન યાને કિ ઇર્ષ્યા આવે છે અને તે સ્વીટુ પાઇ સાવન સાથે અવારનવાર ઝઘડો કરી બેસે છે.

આજની જ વાત કરો ને આ જ જૂની અને જાણીતી ‘જેલસી’ને કારણે ચૈતી ગઇ રાતથી અત્યાર સુધીમાં બે વાર મોટી ફાઇટ કરી ચૂકી છે અને હાલમાં બહેનબા મોં ફુલાવીને બેઠાં છે. તે ડિસ્ટર્બ માઇન્ડને ‘ડાઇવર્ટ’ કરવા માટે સ્માર્ટફોન દ્વારા વોટ્સઅપ પર ‘ગ્રૂપ ચેટ’ કરી રહી છે. વોટ્સઅપ પર તેનું ‘ફ્રેન્ડ્સ ફોરએવર’ ગ્રૂપ એક્ટિવ છે. તેમાં ચૈતી પોતાની દિલની બળતરાને રજૂ કરતા મેસેજ ટાઇપ કરે છે, ‘ હાય ઓલ બડીઝ, આજે તો મારા મૂડની વાટ લાગી ગઇ છે.

સાવને ફરીથી મને ટોટલી અપસેટ કરી નાખી. મને અમારી રિલેશનશિપની ખૂબ જ ચિંતા થાય છે. આઇ નો કે હું આ બાબતે થોડી વધારે ‘હાઇપર’ છું. મને સતત મનમાં બીક લાગે છે મારો સાવન એકદમ ભલો ભોળો અને સિમ્પલ છે. એટલે કોઇ પણ છોકરી તેને ‘એટ્રેક્ટ’ કરવાનો ‘ચાન્સ’ લે છે અને તેને ‘લાઇન મારે’ છે. સો આઇ એમ સ્કેર્ડ કે તે કોઇ છોકરીના ચક્કરમાં ન પડી જાય. એન્ડ ધીસ ઇઝ ધ ટ્રિગર પોઇન્ટ.

આ બાબત મને સતત ‘પિન્ચ’ કર્યા કરે છે. એવું તો શું કરું કે સાવન આ બધી ‘બલા’ અને આફતની પૂડિયાંઓથી દૂર રહે? એની વન ઓફ યુ, પ્લીઝ ટેલ મી કે અબ મૈં ક્યાં કરું?’ આવો લાંબોલચક મેસેજ ટાઇપ કરીને તેણે ‘સેન્ડ’ કરી દીધો.

પછી શું થાય? પલક ઝપકતેં હી આ મેસેજનો રિપ્લાય ‘બ્લિન્ક’ થયો.

ચૈતીની ફ્રેન્ડ વાસવીએ રિપ્લાય કર્યો છે, ‘હાય ચૈતી! તારી પરેશાની અમે જાણી. પણ બકા , રિલેશનશિપમાં ‘ટ્રસ્ટ ઇઝ મસ્ટ’. જો વિશ્વાસનું પોત પાતળું હોય ને ત્યારે જ આવા ‘પ્રોબ્સ’ ક્રિયેટ થતા હોય છે. તને તારા ડિયર એન્ડ નીઅર સાવન પૂરેપૂરો ભરોસો છે ને તો પછી ડાઉટને ‘આઉટ’ કરી દે. તું મનમાં જરા પણ બીક ન રાખીશ. તારો હબી તને ક્યારેય ‘ડીચ’ નહીં કરે. તું આ બધા વહેમથી પ્લીઝ બને એટલી જલદી દૂર થઇ જા એવું હું વિશ કરું છું. સુખ-શાંતિથી તારી લાઇફ પસાર થાય એ માટે હમણાં તું તારી જાતને ક્યાંક ‘બિઝી’ રાખવાની ટ્રાય કરી શકે છે. એટલા માટે તને કોઇ આડાઅવળા, ફાલતૂ વિચારો ન આવે. આજે ઓફિસ અવર્સમાં તું સાવનને ફોન કરી દેજે જેથી કરીને તારું મન હળવુફૂલ રહે.

રાતે ઓફિસથી થાકીને સાવન ઘરે આવે ત્યારે તેની ‘ઇન્કવાયરી’ કરવાને બદલે તું સરસ રીતે તેની સાથે ‘ઇન્ટરએક્શન ’કરે તો તેને ખૂબ સારું લાગશે. તારું થોડું થિન્કિંગ અને બિહેવિયર બદલીશ તો બદલામાં સાવન પ્રેમનો વરસાદ વરસાવીને તને ભરપૂર ભીંજવી દેશે. નેગેટિવિટીને મૂક તડકે અને ફીલિંગ્સનો ફુવારો ચાલુ કરી દે. તારા મેસેજ જેટલું જ લાંબુ ભાષણ આપી દીધું નહીં મેં? ચલ, ત્યારે ગુડ લક ટુ યુ. બાય!’

વાસવીનો ડહાપણભર્યો મેસેજ વાંચતી હતી એટલામાં જ ચૈતીને બીજી ‘બડી’ ચેતાનો મેસેજ એલર્ટ ટોન સંભળાય છે. તે આ નવો મેસેજ વાંચે છે, ‘ડિયર ચૈતી, તારો ગુમ થઇ ગયેલો મૂડ પાછો લાવવા માટે હું થોડું વિચારતી હતી. મને એવું લાગે છે બકા કે તે સાવન સાથે લવમેરેજ કર્યાં છે. તારા કેસમાં વિશ્વાસ કરતાં પણ વધારે પ્રેમનું પલ્લું ભારે છે. પહેલા નંબરે પ્રેમ છે અને પછીના ક્રમે વિશ્વાસ. વિશ્વાસ તો સંબંધોનો શ્વાસ ગણાય છે. એ હોય છે એટલે તો રિલેશનશિપ ‘લાઇવ’ રહે છે , ‘રિવાઇવ’ રહે છે અને આમ આ રીતે સંબંધ ‘સર્વાઇવ’ થાય છે. આમાં સ્ટુપિડ શંકા ક્યાંથી વચ્ચે ટપકી પડી હેં? સાવન પણ તારી જેમ યંગ છે, એનર્જેટિક છે.

તે કોઇ છોકરી કે ફ્રેન્ડની સાથે હસીને વાત કરે તો તેમાં તારા બારેય વહાણ ક્યાં લૂંટાઇ જવાના છે? આવું કરે એમાં વાંધો શું છે તને પાગલ? તારું દિમાગ ઠેકાણે છે કે નહીં. આમ ને આમ તું બિચારા સાવન પર શંકા કર્યા કરીશ અને તેની સાથે ઝઘડતી રહીશ તો તે બીજા કોઇ ચક્કરમાં ન પડે તો જ નવાઇ! એવું કહેવાય છે ને કે ‘શંકા બાળે સોનાની લંકા’. આમ કરીને તું જ તેને તારાથી દૂર થવાનો મોકો આપી રહી છે. એટલા માટે કહું છું તને કે તું વહેમનાં વમળમાંથી જલદીથી બહાર આવી જા. જો આ વસમા વહેમનું કોઇ ઓસડ નથી. આઇ થિન્ક કે સાવન ઘણો સમજદાર છે તે કોઇ આડુંઅવળું કામ નહીં કરે. આજના જમાનામાં ઓફિસમાં મેલ-ફીમેલ સાથે મળીને ‘ટીમ વર્ક’ કરે એ આજની ‘અનએવોઇડેબલ રિક્વાયરમેન્ટ’ છે હૈં કી નહીં? તો પછી ફીમેલ કલીગ્સ સાથે થોડો મેળ-મિલાપ હોય એમાં કંઇ હોહા કરવાની જરૂર ખરી?’

લેખક : મીરાં ત્રિવેદી

loading...