Stories

સંભોગથી સમજદારી તરફ…!

વર્ષો પુર્વે એક મેગેઝીનમાં વાર્તા વાંચી હતી. એક ગુરુએ કોઈ અપરીણીત યુવાન પાસે એક વીચીત્ર પ્રતીજ્ઞા લેવડાવી. યુવક લગ્ન કરે…

વર્ષો પુર્વે એક મેગેઝીનમાં વાર્તા વાંચી હતી. એક ગુરુએ કોઈ અપરીણીત યુવાન પાસે એક વીચીત્ર પ્રતીજ્ઞા લેવડાવી. યુવક લગ્ન કરે ત્‍યારે તેણે મહીનાના પ્રથમ પખવાડીયામાં એટલે કે સુદમાં સ્‍ત્રીસંગથી દુર રહેવું. ગુરુ માનતા હતા કે જગત મીથ્‍યા છે અને તેના સર્વ સુખવૈભવ પોકળ છે. બ્રહ્મ સત્‍ય છે અને મોક્ષ માણસની મંઝીલ છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી મોક્ષપ્રાપ્‍તી સરળ બને છે. એથી માણસે ચુસ્‍તપણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.

એ યુવકના લગ્ન થયા. પ્રથમ રાત્રીએ એણે પત્‍ની સમક્ષ પ્રતીજ્ઞાની વાત કહી. યુવતી અવાક્ થઈ ગઈ. યોગાનુયોગ એ જ ગુરુએ યુવતી પાસે પણ પતીસંગથી દુર રહેવાની પ્રતીજ્ઞા લેવડાવી હતી; પણ એ સમયગાળો વદનો હતો. સ્‍થીતી એવી ઉદ્‌ભવી હતી કે બન્‍ને જણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું પડે એમ હતું. પરણ્‍યા છતાં કુંવારા જેવી સ્‍થીતી ઉદ્‌ભવતા બન્‍ને મુંઝાઈ ગયા હતા.

અમને વાર્તામાં ઉદ્‌ભવતું એ વીચીત્ર ધર્મસંકટ યાદ રહી ગયું હતું. અન્તમાં શું થયેલું તેનું સ્‍મરણ નથી પણ આવી જીવનવીરોધી તત્ત્‍વોવાળી ઘણી વાર્તાઓ એ ધાર્મીક મેગેઝીનમાં પ્રગટતી. વાર્તાનો અન્ત યાદ નથી પણ કલ્‍પી શકાય કે પતી–પત્‍નીએ પ્રતીજ્ઞા મુજબ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું નક્કી કર્યું હોય અને પેલા ગુરુદેવે રાજી થતાં કહ્યું હોય : ‘યે તો અનજાનેમેં પ્રભુકી બહોત બડી કૃપા હો ગઈ… તુમ બહોત ભાગ્‍યશાલી હો બચ્‍ચા… તુમ દોનો કો અવશ્‍ય મોક્ષ મીલેગા…!’

એક વાત સૌએ વીચારવી રહી. ગુરુ કરવાનો અર્થ શું એવો થાય કે વીવેકબુદ્ધીને નેવે મુકી દઈ ગુરુઆજ્ઞાનું આંધળુ અનુસરણ કરવું? આપણા બહુધા ધર્મગુરુઓએ તેમના વૈચારીક ગોબરથી સમાજને ગંદો બનાવ્‍યો છે. લોકોને ઈહલોકની ફરજો ભુલી પરલોકના કાલ્‍પનીક સુખો માટે પ્રભુપ્રાપ્‍તીનેરવાડે ચઢાવ્‍યાં છે.

આ મૃત્‍યુલોકમાં ધર્મગુરુઓએ એવી અફવા ફેલાવી છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી કે સંસારના સુખો ઠુકરાવવાથી મોક્ષ મળે છે. બચુભાઈ કહે છે : ‘માણસ જીવતા જીવત જીવનના સુખવૈભવ ઠુકરાવીને મર્યા પછીના કાલ્‍પનીક મોક્ષનો મોહ રાખે એ એવી વાત થઈ કહેવાય માનો મારી સામે બદામ પીસ્‍તાવાળી બાસુંદીનો કટોરો મુકવામાં આવ્‍યો હોય અને કોઈ ધર્મગુરુ મને એમ કહે : ‘આ બાસુંદી તારી છે પણ તે ખાવાને બદલે તું ભુખ્‍યો રહીશ તો સ્‍વર્ગમાં તને આનાથી ય વધુ સારી બાસુંદી મળશે!’

સાચી વાત એટલી જ કે ‘બ્રહ્મ સત્‍ય જગત મીથ્‍યા‘વાળી થીયરી જ ખોટી છે. સ્‍વર્ગની બાસુંદી કોણે ચાખી છે? ભગવાન કે મોક્ષ વીના આપણે શું કાચુ ખાઈએ છીએ? ઈશ્વર વીના આપણા કયા કામો અટકી પડ્યા છે?’ ફીલ્‍મ ‘હીરરાંઝા’ના એક ગીતમાં કવીએ બચુભાઈની આ જ વાત સરસ રીતે કહી છે :

‘ઉનકો ખુદા મીલે, હૈ ખુદા કી જીન્‍હેં તલાશ…

મુઝકો તો બસ એક ઝલક મેરે દીલદાર કી મીલે…!’

સત્‍ય એ છે કે બ્રહ્મ અને બ્રહ્મચર્ય વીશે માનવીના ચીત્તમાં ઘણા ખોટા ખ્‍યાલો પ્રવર્તે છે. સૌ પ્રથમ તો એ માન્‍યતા જ અવૈજ્ઞાનીક છે કે બ્રહ્મચર્ય પાળવાથી માણસની શક્‍તી, તેજ વગેરેમાં વધારો થાય છે.સૅક્‍સોલોજીસ્‍ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે કે, ‘બાળપણથી દીક્ષા લઈને હીમાલય પર ચાલ્‍યા ગયેલા સાધુઓ બ્રહ્મચર્યને કારણે બસો ત્રણસો વર્ષ જીવી શકતાં હોય એવું બનતું નથી. તેમને પણ હૃદયરોગ, ડાયાબીટીશ, પ્રેસર જેવાં તમામ રોગો થાય છે. બલકે જાતીય વૃત્તીનું દમન કરીને તેઓ અકુદરતી જીવન જીવતાં હોવાને કારણે તેઓ શારીરીક રીતે સંસારી માણસો કરતાં અનેક ગણા દુઃખી હોય છે.

હજી સુધી કોઈ સંસ્‍થાએ હીમાલયના સાધુઓનો સર્વે કરીને એવું તારણ રજુ કર્યું નથી કે બ્રહ્મચર્યને કારણે એ સાધુઓ શારીરીક અને માનસીક રીતે સંસારી મનુષ્‍યો કરતાં ઘણા સુખી અને તન્દુરસ્‍ત હોય છે!’

સ્‍વામી શ્રી. સચ્‍ચીદાનંદજીએ તેમના કોઈ પુસ્‍તકમાં લખ્‍યું છે : ‘સાધુ સંન્‍યાસીઓ કરતાં ક્‍યારેક સંસારીઓના ચહેરા પર વધુ તેજ દેખાય છે. કેમકે સંસારીઓ ઈહલોકના સઘળા સુખો ભોગવી તૃપ્‍ત રહે છે. સાધુ સન્‍યાસીઓની જેમ તેમણે મનની ઈચ્‍છાઓને મારીને જીવવું પડતું નથી!’ સાચી વાત છે.

બળજબરીથી બ્રહ્મચર્ય પાળતા બાવાઓ તક મળતાં સંસારીઓની બહેન દીકરીઓની ઈજ્જત પર હાથ નાખતાંય અચકાતા નથી. આશારામબાપુ અને નારાયણસાંઈનું ઉદાહરણ મૌજુદ છે. જાતીયતા એ પાપ નથી કુદરતી પ્રક્રીયા છે. માણસને બાળપણમાં દુધની જરુર પડે છે. યુવાનીમાં પ્રેમની જરુર પડે છે. સેક્‍સ પણ તેવી જ એક વયલક્ષી જરુરીયાત છે. એને ધર્મગુરુઓએ અવળે રસ્‍તે ફંટાવી ખોટો હાઉ ઉભો કર્યો છે.

હીમાલયનો બાવો બ્રહ્મચર્ય પાળતો હોવા છતાં પન્દર મણ વજનની ગુણ માથે ઉંચકી શકતો નથી. ચારસો વર્ષ સુધી જીવી શકતો નથી. તે ઝેર પી જાય તો ય ન મરે એવું બનતું નથી. તેને પણ ઘડપણ આવે છે. દાંત પડી જાય છે. આંખે મોતીયો આવે છે. સંસારીઓ જેવી તમામ વયસ્‍ક બીમારીઓનો તેણે પણ સામનો કરવો પડે છે.

એકવાર એક જૈન દમ્પતીને દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંસાર સુખની એષ્‍ણા જાગતાં તેમણે પુનઃ સંસાર પ્રવેશ કર્યો હતો. જૈન સમાજમાં એ ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. દમ્પતી બદનામ થઈ ગયું હતું. મનુષ્‍ય અવતાર ધારણ કર્યા પછી સંસાર ત્‍યાગીને જીવન પુરું કરવાની વાત વહેણની વીરુદ્ધ દીશામાં તરીને સામે કાંઠે પહોંચવા જેવી જીદ ગણાય.

આપણા ઘણા પ્રાચીન ઋષીમુનીઓ પરણેલા હતા. ખુદ રામ અને કૃષ્‍ણ પણ પરીણીત હતા. જરા આગળ વીચારીએ તો પ્રશ્ન થાય છે એ તે કેવી વીચીત્રતા કે ભગવાનને પામવા નીકળેલો માણસ કુદરતે આપેલી જાતીયતાને ઓળખી જ શકતો નથી. કોઈ સ્‍ત્રી માતા બનવા તત્‍પર હોય પણ ગર્ભાશય કઢાવી નાખવાની ભુલ કરે તો માતા બની શકે ખરી?

પ્રભુતા માણસના રુંવે રુંવે વ્‍યાપેલી છે. ‘સંભોગથી સમાધી તરફ’ નામના પુસ્‍તકમાં શ્રી. ઓશો રજનીશજીએ પ્રભુતાનો સુંદર પરીચય કરાવ્‍યો છે. સ્‍ત્રી પુરુષના સહપોઢણના ક્‍લાઈમેક્‍સનું સુખ લાખોના ખર્ચે બનાવેલા યન્ત્રમાનવ– ‘રૉબોટ’ને મળી શકતું નથી.

ઉંડાણથી વીચારો તો સ્‍ત્રી પુરુષના સહપોઢણમાં પુરા કદની પ્રભુતા સમાયેલી છે. સોળ વર્ષની સોડષીના દીલમાં વીસ વર્ષના નવજુવાનને જોઈને જે સ્‍નેહસ્‍પન્દનોના અવર્ણનીય હીલ્લોળ જાગે છે તે કુદરતની અદ્રશ્‍ય દરમીયાનગીરી વીના શક્‍ય બને ખરું?

ઈશ્વરે પોતાના અસ્‍તીત્‍વની સાબીતી માનવીના અંગેઅંગમાં આપી છે. કબીરે અમસ્‍થુ નથી કહ્યું :

‘કસ્‍તુરી મૃગમેં બસે, મૃગ ઢુંઢે બનમાંહી…

વૈસે ઘટઘટ રામ બીરાજે, દુનીયા દેખે નાંહી!’

માણસ ઈશ્વર પ્રાપ્‍તીના અસલી ઈલાકાઓ છોડી ભળતી જગ્‍યાએ ભગવાનને ફંફોસતો રહે છે. ભગવાન ક્‍યાં હશે તે આપણે નથી જાણતાં પણ એટલું નક્કી કે જાતીયતાનો ત્‍યાગ કરવાથી તે મળી જાય છે એ વાત ખોટી.

સુપ્રસીદ્ધ સૅક્‍સોલોજીસ્‍ટ ડૉ. હેવલોક એલીસે કહ્યું છેઃ ‘ઉપવાસ એ સ્‍વયંમ્‌ ઈચ્‍છીત સ્‍થીતી છે. જ્‍યારે ભુખમરો એ લાચારી છે. પરીણીતોનું બ્રહ્મચર્ય ઉપવાસ સમુ પવીત્ર હોય શકે. વાંઢાના બ્રહ્મચર્યને ભુખમરો કહી શકાય. બગાસું ખાવું એ પાપ નથી. છીંક ખાવી એ ગુનો નથી. હેડકી આવવી એ કલંક નથી.

તેમ કુદરતે બક્ષેલી જાતીયતાને અનુસરવામાં કોઈ પાપ નથી. છતાં કોઈ વાજબી કારણોસર તબીબી સલાહ અનુસાર એ વૃત્તી પર સંયમ રાખવા ઈચ્‍છો તો તે ખોટું નથી; પણ કારણ વીના જાતીય આવેગોનું બળજબરીથી દમન કરવામાં આવશે તો તે નુકસાનકારક સીદ્ધ થશે. તમે છીંક રોકવાની કોશીષ કરી જોજો…!’

loading...