Stories

જાણો આ પાટીદારે ઉભી કરી હતી ગણપત યૂનિવર્સિટી, એન્જિનિયરથી ઉદ્યોગમંત્રી પણ બન્યા,જેમનું આજે થયું નિધન

મહેસાણાના પૂર્વ ધારાસભ્ય, એપોલો ગ્રુપના માલિક અને ગણપત યૂનિવર્સિટીના સ્થાપકોમાંના એક અનિલ પટેલનું આજે વહેલી સવારે 73 વર્ષની વયે નિધન…

મહેસાણાના પૂર્વ ધારાસભ્ય, એપોલો ગ્રુપના માલિક અને ગણપત યૂનિવર્સિટીના સ્થાપકોમાંના એક અનિલ પટેલનું આજે વહેલી સવારે 73 વર્ષની વયે નિધન થયું છે. અનિલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી પણ રહી ચૂક્યા છે.અનિલભાઇ પટેલ અને ગણપતભાઇ પટેલે ભેગા મળીને ગણપત યૂનિવર્સિટી ઉભી કરી હતી. અનિલભાઇ ગણપત યૂનિવર્સિટીના પ્રેસિડેન્ટ પણ હતા. આ બન્નેએ ભેગા મળીને ગણપત યૂનિવર્સિટીના રૂપે એક વિશ્વ દરજ્જાની યૂનિવર્સિટીની ભેટ ધરી છે.

અનિલભાઈનો જન્મ આઠમી માર્ચ, 1944ના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે. પિતા ત્રિભુવનદાસ ખેડૂત હતા. તેમણે પશુચોરો સામે મોટી સફળ લડત ચલાવેલી. એેને કારણે જ તેમની હત્યા થઈ હતી. એ વખતે ત્રિભુવનદાસની ઉંમર માત્ર 38 વર્ષની હતી. તેમનાં ધર્મપત્ની શાંતાબહેન (અનિલભાઈનાં માતા)એ પેટે પાટા બાંધીને પોતાનાં પાંચેય સંતાનોને ભણાવ્યાં હતાં. એ વખતે સમાજ પણ તેમની સાથે જોડાયો હતો. અનિલભાઈ અને તેમના ભાઈઓના અભ્યાસ માટે સમાજે જે આર્થિક મદદ કરી હતી તેનો પાકો હિસાબ રખાયો હતો. એક ડાયરીમાં એક-એક રૃપિયાની નોંધ રખાઈ હતી. અનિલભાઈ તથા ભાઈઓ બે પાંદડે થયા ત્યારે પાઈએપાઈ ચૂકવવામાં આવી હતી. અનિલભાઈએ તો સમાજે પોતાને ભણવા માટે જે મદદ કરી હતી તેનું ઋણ ગણપત યુનિવર્સિટી સ્થાપીને અદા કર્યું હતું.
મિકેનિકલ એન્જિનિયર હતા


અનિલભાઈનું પ્રાથમિક શિક્ષણ વતન લણવાની પ્રાથમિક શાળામાં થયું એ પછી છગનબાપાએ સ્થાપેલા કડીના સર્વવિદ્યાલયમાં તેમણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું. વલ્લભવિદ્યાનગરસ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી તેઓ બીએ મિકેનિકલ એન્જિનિયર થયા હતા. એન્જિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે તેઓ અમેરિકા ગયા. અમેરિકામાં સ્થાયી થવાની તમામ તકો હોવા છતાં એ પ્રલોભન ટાળીને તેઓ ભારત પરત આવ્યા. વતનના વિકાસ માટે જ કશુંક કરવું એ લાગણી તેમનામાં હતી. તેમણે મહેસાણામાં એક ઉદ્યોગ સાહસિક તરીકે પ્રારંભ કર્યો.


1969માં અમેરિકાએ એપોલો સેટેલાઈટ છોડેલો તેના પરથી તેમણે પોતાની કંપનીનું નામ એપોલો રાખ્યું હતું. તેમણે આ કંપનીને પ્રગતિશીલ બનાવી હતી. એપોલો ગ્રુપ આજે અર્થ મુવિંગ ઈક્વિટમેન્ટ્સના પ્રોડકશનમાં આ કંપની ભારતમાં ટોચનું સ્થાન ધરાવે છે. કન્સ્ટ્રક્શન સેકટરમાં જે સાધનો વપરાય છે તે આ કંપની બનાવે છે. આજે તો તેમની આ કંપની તેમના બે દીકરાઓ આસિત પટેલ અને આનંદ પટેલ ચલાવે છે. તેનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 300 કરોડ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી અનિલભાઈ આ કંપનીના સલાહકાર માત્ર બની રહ્યા હતા.

અનિલ પટેલ રાજકારણમાં પ્રવેશીને ભાજપ તરફથી મહેસાણામાંથી ચૂંટાયેલા અને ઉદ્યોગમંત્રી પણ બન્યા હતા. પરંતુ મહેસાણાના પાદરમાં ખેરવા ગામે આવેલી 300 એકર જમીનમાં પથરાયેલી ગણપત યુનિવર્સિટી એ અનિલભાઈની ગુજરાતને મળેલી ઉત્તમ ભેટ છે. ગણપત યુનિવર્સિટીમાં અત્યારે દસ હજાર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ગણપતભાઈ અને અનિલભાઈ છેલ્લાં થોડાં વર્ષોથી દિવસ-રાત સતત ગણપત યુનિવર્સિટીના વિકાસની જ મથામણ કરતા હતા.
(source : sabkenews )

loading...