Stories

વેલેન્ટાઈન ડે – શ્રીમતી નયના શાહ

માલવિકા ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની…

માલવિકા ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ ૧૪મી ફેબ્રુઆરી હતી. બધાં પતિપત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં.

એની બહેનપણીઓએ તો કેટલાય દિવસો પહેલાં વેલેન્ટાઈન ડેની તૈયારી કરી હતી. પોતાના પતિ માટે સરસ મઝાની ભેટ ખરીદી હતી. કોઈકે કફલિંગ્સ તો કોઈએ સૂટનું કાપડ કે સરસ મઝાનું સ્પ્રે ખરીદ્યું હતું. જ્યારે એના પતિને તો ફુરસદ જ ક્યાં હતી ?

ફેસબુક પર પેલી ચાંપલી ચિનારે તો એના પતિએ આપેલાં સોનાનાં ઝૂમખાં બતાવેલાં, રિન્કીએ તો હીરાની વીંટી એનો પતિ પહેરાવતો હતો એ ફોટો મૂક્યો. પમાએ તો સોનાનો હાર એના પતિએ આપ્યો એ બતાવ્યો.

અરે, ફેસબુક પર તો એની બહેનપણીઓના પતિ લાલ ગુલાબોનો બુકે આપે છે એ પણ બતાવ્યું. અને પેલી મેઘાના પતિએ પહેલાં પાંચ ગુલાબનો ગુચ્છો આપ્યો અને તરત બીજો પચાસ ગુલાબોનો ગુચ્છો આપ્યો. નીચે લખ્યું હતું કે જેમ લગ્નનાં પાંચ વર્ષ ખુશી ખુશી પસાર થયાં એવાં બીજાં પચાસ વર્ષ આમ જ પસાર થઈ જશે એવી ઈચ્છા વ્યક્ત કરતાં બીજો ગુલાબનો ગુચ્છો આપ્યો. અરે, એની બધી બહેનપણીઓના પતિઓ તો એ દિવસ નિમિત્તે આખો દિવસ હોટલમાં એક સ્યૂટ પણ બુક કરાવી દેતા હતા. કેટલીક બહેનપણીઓના પતિઓ તો ફૉરેન ટૂરની ટિકિટો પણ લઈ આવ્યા હતા.

બધી બહેનપણીઓના પતિઓ એમની પત્નીઓ માટે કેટકેટલું કરતા હતા ? જ્યારે પર્વને તો જાણે એની કંઈ જ પડી ન હતી. પર્વને તો એ પણ યાદ ન હતું કે આજે ૧૪ ફેબ્રુઆરી છે.

મારી મોટાભાગની બહેનપણીઓએ પ્રેમલગ્ન કર્યાં છે. એ બધામાં એકબીજા માટે કેટલો પ્રેમ છે. જ્યારે પર્વને તો એ ભલો અને એનું લેપટોપ કે એની નોકરી ભલી. શું આ માણસ પહેલેથી જ આવો શુષ્ક છે કે પછી એને મારા માટેનો પ્રેમ ખતમ થઈ ગયો છે ? જોકે લગ્નનાં આટલાં વર્ષોમાં એણે મને ક્યારેય કહ્યું નથી કે, ‘આઈ લવ યૂ ડાર્લિંગ !’

જ્યારે મારી બહેનપણીઓના પતિ તો ઘરની બહાર નીકળતી વખતે પણ કહેશે કે, ‘આઈ મિસ યૂ ડાર્લિંગ.’ ભલે ને એ સાંજે પાછા આવતા હોય. એકબીજા માટે આંખોમાં કેટકેટલો પ્રેમ છલકતો હોય છે ? અને જ્યારે પર્વ… મેં ક્યારે નવો ડ્રેસ લીધો કે મેં ક્યારે સાડી પહેરી એ પણ એને જોવાનો સમય જ ક્યાં છે ? ક્યારેય એ પૂછતી કે હું શું પહેરું ? સાડી કે ડ્રેસ ? તો પર્વ તરત કહેતો કે, ‘મનુષ્ય એનાં કપડાંથી નહીં પણ એના સંસ્કારથી ઓળખાય છે. સુંદર કપડાં પહેરનારું કદાચ વ્યક્તિત્વ તમને પ્રભાવિત કરી શકે. પરંતુ લાંબે ગાળે તો…’

‘ઓ… હ… પર્વ મારી ભૂલ થઈ ગઈ કે મેં તને પૂછ્યું કે હું શું પહેરું ?’

એ વિચારતી હતી કે જ્યારે એની બહેનપણીઓ હંમેશ કહેતી, ‘અમારે પાર્ટીમાં જવાનું હોય તો એ સવારથી જ મારે કયાં કપડાં સાંજે પાર્ટીમાં પહેરવા એ નક્કી કરે.’

માલવિકાને પણ થતું કે પર્વ એને કહે કે, ‘તું આજે સાડી પહેરજે,’ ‘તું ગુલાબી ડ્રેસમાં ખૂબ સુંદર દેખાય છે’… પણ આવાં બધાં વાક્ય સાંભળવા માટે એના કાન તલસી રહ્યા હતા. જ્યારે એની બહેનપણીઓ કહેતી કે આજે તો મેં મારા પતિની પસંદગીની સાડી પહેરી છે કે ડ્રેસ પહેર્યો છે તો માલવિકાના મનમાં દુઃખની ટશર ફૂટી નીકળતી.

માબાપે માત્ર પર્વનું ભણતર જ જોયું અને ખરેખર જે જોવાનું હતું એ તો જોયું જ નહીં, વારંવાર માલવિકાની હાજરીમાં પણ પતિદેવો પત્નીને ‘આઈ લવ યૂ’ કહેતા. જ્યારે પર્વ તો બધાની હાજરીમાં પણ ચૂપ રહેતો.

માલવિકાની બધી બહેનપણીઓએ જ્યારે ત્રણ દિવસનો પ્રવાસ નક્કી કર્યો ત્યારે દરેકના પતિદેવો બસ ઊપડતાં સુધી ઊભા રહેલા જ્યારે પર્વ માલવિકાને મૂકીને જતો રહ્યો એવું કહીને કે, ‘મારે ઑફિસ જવાનું મોડું થશે. અને પૈસા તારે જોઈએ એટલા લઈ જા. તારી પાસે એટીએમ કાર્ડ, ક્રૅડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું જ છે એ જોઈ લેજે. છતાંય તને કંઈ તકલીફ હોય તો મને ફોન કરજે. તારી તબિયત સાચવજે.’

પર્વ જતો રહ્યો પણ દરેક બહેનપણીના પતિદેવો બસ ઊપડતાં સુધી ઊભા રહ્યા હતા. માલવિકાને પતિદેવનું બસ ઊપડતાં પહેલાં જતા રહેવું ગમ્યું ન હતું. બસ ઊપડ્યા બાદ કલાક પછી તો બધી બહેનપણીઓના મોબાઈલ રણકતા રહ્યા. સિવાય માલવિકાનો –

બીજે દિવસે સવારે બધાં આગલા દિવસનો આનંદ વાગોળી રહ્યાં હતાં. બધાં ખુશ હતાં. ત્યાં જ એમની બસ એક ટ્રક સાથે અથડાઈ. બધાંને નાનીમોટી ઈજાઓ થઈ હતી. બધાંનાં સગાંઓને ખબર કરવામાં આવી. પરંતુ પર્વ તો સૌથી પહેલાં હાજર થઈ ગયો. બધાંને મદદરૂપ પણ થયો.

તાત્કાલિક તો બધાંને ‘પેઇન કિલર’ આપી દીધી હતી. પરંતુ બધાં પોતાના શહેર અમદાવાદ પોતાને ઘેર જ જવા ઈચ્છતાં હતાં. બધાંના સગા આવતાં પહેલાં જ પર્વએ બધાંને પાછાં અમદાવાદ લઈ જવાની વ્યવસ્થા કરી દીધી હતી.

loading...